Abu Dhabi, તા.19
એશિયા કપમાં શ્રીલંકા સામે અફઘાનિસ્તાનના સ્ટાર ઓલરાઉન્ડર મોહમ્મદ નબીએ વિસ્ફોટક ઇનિંગ રમી હતી. અફઘાનિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી અને એક સમયે તે 140 રન સુધી પહોંચવાની શક્યતા ઓછી દેખાતી હતી.
નબીએ માત્ર 22 બોલમાં 60 રનની ધમાકેદાર ઇનિંગ રમી, જેનાથી અફઘાનિસ્તાન 169 રન સુધી પહોંચી શક્યું. આ પછી પણ ટીમ હારી ગઈ, પરંતુ નબીએ એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી.
મોહમ્મદ નબી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 6,000 રન બનાવનાર પ્રથમ અફઘાન ક્રિકેટર બન્યો છે. 40 વર્ષીય ખેલાડીએ અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમ ખાતે એશિયા કપ 2025 માં શ્રીલંકા સામે આ સિદ્ધિ મેળવી હતી.
નબીને આ સિદ્ધિ મેળવવા માટે ફક્ત ત્રણ રનની જરૂર હતી, તેણે શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન દાસુન શનાકાને એક સિંગલ ફટકારી હતી. હવે તેના 315 આંતરરાષ્ટ્રીય મેચોમાં 6,057 રન છે.
40 વર્ષીય મોહમ્મદ નબીએ 2009માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. અત્યાર સુધીમાં તેમણે 3 ટેસ્ટમાં 33 રન, 173 વન ડેમાં 3655 રન અને 138 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં 2357 રન બનાવ્યા છે. તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 286 બેટ્સમેનોને પણ આઉટ કર્યા છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અફઘાનિસ્તાન માટે સૌથી વધુ રન બનાવનારાઃ
મોહમ્મદ નબીઃ 6057 રન
રહમત શાહઃ 4948 રન
મોહમ્મદ શહઝાદઃ 4844 રન
અસગર અફઘાનઃ 4246 રન
નજીબુલ્લાહ ઝદરાનઃ 3890 રન
નબીએ શ્રીલંકા સામેની મેચમાં પણ શાનદાર બેટિંગ કરી હતી. તેણે છેલ્લી ઓવરમાં પાંચ છગ્ગા ફટકાર્યા હતા. જોકે, આ પછી પણ તેની ટીમ જીતી શકી ન હતી. નબી સિવાય, અન્ય કોઈ અફઘાન બેટ્સમેન મુક્તપણે રમી શક્યો ન હતો.
શ્રીલંકાએ 19મી ઓવરમાં લક્ષ્ય હાંસલ કર્યું. વિકેટકીપર કુસલ મેન્ડિસે 52 બોલમાં 74 રનની અણનમ ઇનિંગ રમી. કમિન્ડુ મેન્ડિસે માત્ર 13 બોલમાં 26 રન બનાવ્યા.