New Delhi.તા.19
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં આપવામાં આવેલાં સ્મૃતિચિહ્નોની ઈ-હરાજી બુધવારથી શરૂ થઈ ગઈ છે. ઈ-ઓક્શનની 7મી આવૃત્તિમાં પ્રધાનમંત્રીને મળેલી 1300થી વધુ ભેટો ખરીદી માટે ઉપલબ્ધ થશે. આ વસ્તુઓમાં પેઇન્ટિંગ્સ, આર્ટવર્ક, શિલ્પો, દેવી-દેવતાઓના શિલ્પો અને રમતવીર દ્વારા આપવામાં આવેલી કેટલીક રમતગમતની સામગ્રીનો સમાવેશ થાય છે.
પીએમ મેમેન્ટોસની વેબસાઈટ અનુસાર, દેવી ભવાનીની મૂર્તિની બેઝ પ્રાઈસ 10,39,500 રૂપિયા છે, જ્યારે રામ મંદિરનાં મોડેલની બેઝ પ્રાઈઝ 5.5 લાખ રૂપિયા છે. સંસ્કૃતિ મંત્રાલયનાં અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે આ બંને વસ્તુઓ પેરાલિમિ્પક મેડલ વિજેતાઓના ત્રણ જોડી જૂતાની બેઝ પ્રાઇસ સાથે ટોચની પાંચ કેટેગરીમાં છે. દરેક જોડી જૂતાની બેઝ પ્રાઇસ 7.7 લાખ રૂપિયા છે.
તમે પણ આ ભેટો ખરીદી શકો છો
આ હરાજી 2 ઓક્ટોબર સુધી ચાલું રહેશે. લોકો pmmementos.gov.in વેબસાઇટ પર જઈને આ ભેટો માટે બોલી લગાવી શકે છે. ઈ-હરાજીમાંથી મળેલી સંપૂર્ણ આવક નમામી ગંગે પ્રોજેક્ટમાં જશે, જે ગંગા નદીનાં સંરક્ષણ માટે ભારત સરકારની મુખ્ય પહેલ છે.
પ્રથમ ઈ-હરાજી જાન્યુઆરી 2019માં યોજાઈ હતી
પ્રથમ ઈ-હરાજી જાન્યુઆરી 2019માં યોજાઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં પ્રધાનમંત્રીને મળેલી હજારો ભેટોની હરાજી કરવામાં આવી છે. આનાથી નમામી ગંગે પ્રોજેક્ટ માટે 50 કરોડ રૂપિયાથી વધુની રકમ એકત્ર થઈ છે.