Rajkot,તા.19
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના સનાથલના રહીશ ધ્રુવરાજસિંહને તલાલા નજીક તેની ગાડી રોકીને હુમલો કરીને માર મારવાના કિસ્સામાં ધરપકડ કરવામાં આવેલા ડાયરા કલાકાર દેવાયત ખવડને અને તેમના સાથીઓને શરતી જામીન ઉપર મુક્ત કરતો આદેશ અદાલત દ્વારા કરવામાં આવેલા છે.
અદાલત દ્વારા નોંધવામાં આવેલું છે કે, આરોપીના સાત દિવસના રિમાન્ડ પૂર્ણ થયા છે તપાસ અધિકારી દ્વારા વધારે રિમાન્ડ માગવામાં આવ્યા નથી તેમ જ અધિકારી દ્વારા મહત્વના કોઈ આર્ટિકલ કે મુદ્દા માલ રિકવર કરવામાં આવેલા નથી.
આરોપી દેવાયત ખાવડ પાસે ગન લાયસન્સ હોવાની રજૂઆત અને તેને હુમલા દરમિયાન ગન બતાવી હોવાની રજૂઆત તપાસ અધિકારી દ્વારા કરવામાં આવેલી છે પણ તે રિકવર કરવામાં આવેલી નથી આથી આ સંજોગોમાં આરોપીઓને જામીન ઉપર મુક્ત કરવામાં આવે છે.
કોટે શરતો લાદી હતી કે દેવાયત ખવડ નો પાસપોર્ટ જમા કરાવવાનું રહેશે, કોર્ટની મંજૂરી વગર ગુજરાતની બહાર જઈ શકશે નહીં, ચાર્જશીટ ફાઇલ થાય ત્યાં સુધી દર પંદર દિવસે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, તેમજ ટ્રાયલ દરમિયાન હાજરી આપવાની રહેશે. આ ઉપરાંત તેણે આ કેસના ફરિયાદી કે સાક્ષીઓને ડરાવવા કે ધમકાવાના રહેશે નહીં.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ડાયરાની એક જૂની અદાવતમાં દેવાયત ખવડ દ્વારા ધ્રુવરાજ સિંહ ઉપર હીચકારો હુમલો કરવામાં આવ્યો હતો. તેના થોડા દિવસ બાદ ગીર સોમનાથ પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ તેઓ તરત જામીન ઉપર મુક્ત થઈ ગયા હતા.
આથી પોલીસ દ્વારા તેમના જામીન રદ કરવા માટે અરજી કરવામાં આવતા અદાલતે તેમના જામીન રદ કર્યા હતા અને પોલીસ સમક્ષ હાજર થવાનું કીધું હતું. આ ઉપરાંત તેને તપાસ માટે સાત દિવસના રિમાન્ડ ઉપર સોંપવામાં આવ્યા હતા.
આ રિમાન્ડ પુરા થતા તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા અને પોલીસ દ્વારા વધુ રિમાન્ડ માગવામાં નહીં આવતા દેવાયત ખવડ તથા અન્યના વકીલે તેઓને જામીન ઉપર મુક્ત કરવા માટે અરજી કરી હતી. તમામ પક્ષકારો સાંભળ્યા બાદ અદાલતે શરતી જામીન મંજૂર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, સનાથલમાં એક ડાયરા બાબતે દેવાયત ખવડે ધ્રુવરાજસિંહના પિતા અને કાકાને ડાયરામાં હાજરી આપવા માટે કીધું હતું. પરંતુ તેઓ ડાયરામાં હાજર નહીં થતાં ખવડની ગાડી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.
આ બાબતે સામસામે ફરિયાદો પણ થઈ હતી. મુદ્દાનું કોઈ સમાધાન નથી થતા ધ્રુવરાજસિંહ તલાલા ખાતે એક રિસોર્ટમાં આવતા તેની જાણકારી મળતા તેમની ઉપર હુમલો કરાયો હતો અને આ કેસમાં દેવાયત ખવડ સહિતના આરોપીઓ સામે એફઆઇઆર થઈ હતી.