Rajkot, તા.19
બે મહિના બાદ એટલે કે, 19 ડિસેમ્બર 2025ના રોજ રાજકોટ સહિત રાજ્યના 280 બાર એસોસિએશનની ચૂંટણી યોજાશે. જેનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે. જેમાં ઉમેદવારો 1 ડિસેમ્બરથી 5 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકશે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે.પટેલ, વાઈસ-ચેરમેન મુકેશ સી. કામદાર અને એકઝીક્યુટીવ કમિટીના ચેરમેન નલિન ડી. પટેલ દ્વારા તમામ બાર એસો.ને નિયમો જણાવતો પત્ર લખવામાં આવ્યો છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા વિગતે યાદી જાહેર કરાઈ છે.
જેમાં જણાવાયું છે કે, તમામ બાર એસોસિએશન શિસ્તબધ્ધ ચૂંટણી પ્રક્રિયાઓ પુરી પાડવા માટે બાર એશોસિએશન ઓફ ગુજરાત રૂલ્સ. 2015 મુજબ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની તા. 14/09/2025 ના રોજ મળેલ સાધારણ સભામાં સર્વાનુમતે થયેલ ઠરાવ મુજબ તમામ બાર એસો.માં તા.19/12/2025 ના રોજ ચૂંટણી યોજવાની છે. દરેક બાર એસો.ને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નિર્દેશ અનુસારના ચૂંટણી કાર્યક્રમનું ફરજિયાત પાલન કરવાનું રહેશે.
વધુમા જણાવાયું છે કે કોઈપણ બાર એસો. પોતાની સામાન્ય સભામાં ફકત ઠરાવ કરીને બાર એસો. હોદ્દેદારો કે કારોબારી સમિતિની નિમણુંક કરી શકશે નહીં. ઉપરાંત જે તે બાર એસો.ને ચૂંટણી યોજવાની થતી હોય તેવા દરેક બાર એસો.એ ચૂંટણી સંદર્ભે ગુજરાત બાર એસોશિએસનોના નિયમો, 2015 ના નિયમ-49 મુજબ ચુંટણીની પ્રક્રિયા ફરજિયાત રીતે હાથ ધરવાની રહેશે.
તા.15/11/2025 સુધીમાં પોતાના બાર એસો.ના સભ્યોને વન બાર વન વોટ હેઠળ મતદાર બનાવી તેવા સભ્યોની સહી-સિક્કાવાળી મતદારયાદી તા.20/11/2025 સુધી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને મોકલી આપવાની રહેશે. તા.20/11/2025 સુધી પોતાની મતદારયાદી મોકલી નહીં હોય તેવા એસો.ની ચૂંટણી અંગેની કોઈપણ તકાર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સમક્ષ લાવી શકાશે નહીં અને તે સંજોગોમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત નિયમ અનુસાર યોગ્ય કાર્યવાહી કરશે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા બારને મળવાપાત્ર લાભોથી પણ વંચિત રહેશે. તા.21/11/2025 સુધીમાં પોતાના બારમાં ચૂંટણી અધિકારીની નિમણુંક કરવાની રહેશે. તેમજ કોઈપણ ધારાશાસ્ત્રી એક કરતા વધુ બારમાં એક કરતા વધુ જગ્યાએ મતદાન કરતા માલુમ પડશે તો ત્રણ વર્ષ માટે એસો.માંથી બરતરફ કરવામાં આવશે. તેમજ એડવોકેટસ એકટ, 1961ની કલમ-35 મુજબ વ્યવસાયિક ગરવર્તણુંક માટે જવાબદાર રહેશે.
દરેક ચૂંટણી કમિશનરએ જે તે બાર એસો.ની મતદારયાદી ફરજિયાત રીતે નોટીસ બોર્ડ પર પ્રસિધ્ધ કરવાની રહેશે. અને કોઇપણ ધારાશાસ્ત્રીને વાંધા અરજી આપવી હોય તો તે ચૂંટણી કમિશનરને અથવા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની કચેરીએ પુરાવા સહિત લેખિત જાણ કરવાની રહેશે. સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયાના ચુકાદા અનુસાર બાર એસો.ની ચૂંટણી સંદર્ભે મહીલા અનામત માટે આપેલ સુચનાનું પાલન કરવાનું રહેશે.
ત્યારબાદ. તા.19/12/2025ના રોજ ચૂંટણી અધિકારીએ ચૂંટણી પ્રક્રિયા પુર્ણ કરી જાહેર થયેલ પરિણામની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની કચેરીને જાણ કરવાની રહેશે તેમજ પરિણામ અંગે કોઈ ઉમેદવારને વાંધો હોય તો ગુજરાત બાર એસો. રૂલ્સ, 2015ના નિયમ-49 (જી) અનુસાર 10 દિવસમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને અરજી મોકલી આપવાની રહેશે.
જે ધારાશાસ્ત્રીએ ઓલ ઇન્ડિયા બાર એક્ષામીનેશન પાસ કરેલ નથી અથવા ફકત પ્રોવીઝનલ એનરોલમેન્ટ મેળવેલ હોય તેવા કોઈપણ ધારાશાસ્ત્રી તા.19/12/2025 ના રોજ યોજાનાર ચૂંટણીમાં મતાધિકાર મેળવવા હક્કદાર રહેશે નહીં.
ચુંટણી પ્રક્રિયા શરૂ કરીને પુરી કરવામાં નિષ્ફળ જાય તો બારની માન્યતા રદ થઈ શકે
બીસીજીની યાદીમાં જણાવ્યા મુહબ, જો કોઈ બાર એસો. નિયત સમય મર્યાદામાં ચૂંટણી પ્રક્રિયા શરૂ કરીને પુરી કરવામાં નિષ્ફળ જશે તેમજ આ અંગેના નિર્દેશોનું બરાબર પાલન નહીં કરે તો તેવા બાર એસોસિએશન સામે તાત્કાલીક અસરથી પગલા લેવામાં આવશે અને જરૂર જણાયે તેવા બાર એશોસિએશનની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી પણ થઈ શકે છે. ઉપરોકત બાબતે ચૂંટણી સંદર્ભેની તમામ જવાબદારી તેમજ સત્તાઓ બાર એશોસિએશન દ્વારા નીમાયેલ ચૂંટણી કમિશનરની રહેશે.