Jamnagarતા.19
જામનગર-રાજકોટ રોડ પર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં ધ્રોલના વાંકિયા નજીક એક કારના ચાલકે બાઇક પાછળથી ઠોકર મારતાં દંપતિ ઇજાગ્રસ્ત થયું હતું. પોલીસે બાઇકચાલકની ફરિયાદના આધારે કારના ચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
ધ્રોલ પોલીસ મથકેથી અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વાંકિયા ગામે કુંભાર શેરીમાં રહેતાં હરેશ ગોરધનભાઇ રાણીપા (ઉ.વ.40) નામના ખેડૂત ગત્ તા.7-9-2025 ના રોજ પોતાનું જીજે-10-એએન-0704 નંબરનું મોટરસાઇકલ લઇને પોતાની પત્ની સાવીત્રીબેનને પાછળ બેસાડી ઘરેથી વાડીએ જતાં હતાં.
દરમિયાન જ્યાર તેઓ જામનગર-રાજકોટ હાઇવે પર આવેલ આદિત્ય જીન પાસે પહોંચ્યાં ત્યારે પાછળથી આવી રહેલી જીજે-10-ડીએ-5072 નંબરની અલ્ટો કારના ચાલકે પોતાની કાર ફુલ સ્પીડમાં બેફીકરાઇથી અને ગફલતભરી રીતે ચલાવી હરેશભાઇના બાઇકને પાછળથી ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રમેશભાઇ અને તેમના પત્નીને શરીરે છોલછાલ જેવી ઇજાઓ થઇ હતી.
આ બનાવ મામલે હરેશભાઇએ જીજે-10-ડીએ-5072 નંબરની અલ્ટો કારના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આ અજાણ્યા કારના ચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.