Gondal,તા.19
ગોંડલના ચકચારી પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં આજીવન કેદની સજા પામેલા રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજા આજે (19મી સપ્ટેમ્બર) રાતે 8 વાગ્યા સુધીમાં આત્મસમર્પણ કરવું પડશે. કારણ કે, સુપ્રીમ કોર્ટે એક અઠવાડિયા માટે આપેલો સ્ટે પરત ખેંચ્યો છે. નોંધનીય છે કે, કોર્ટે અનિરૂદ્ધસિંહને આત્મસમર્પણ થવા મામલે સાત દિવસની રાહત આપી હતી.
મળતી માહિતી અનુસાર, પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં ફરી વધારો થયો છે. ગુરુવારે (18મી સપ્ટેમ્બર) સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહના આત્મસમર્પણના આદેશ પર એક અઠવાડિયા માટે સ્ટે આપ્યો હતો. પરંતુ શુક્રવારે (19મી સપ્ટેમ્બર) કોર્ટે આ સ્ટે પરત ખેંચી લીધો છે. સામા પક્ષની અરજી અને દલીલો મામલે આજે સવારે 10.30 વાગ્યે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન કોર્ટે અનિરુદ્ધસિંહને આપેલી રાહત પરત ખેંચી લીધી છે અને શુક્રવારે રાતે જ 8 વાગ્યા સુધીમાં આત્મસમર્પણ કરવું પડશે.ગોંડલમાં 1988માં 15મી ઓગસ્ટના દિવસે ધ્વજવંદનના કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની ગોળી મારી હત્યા કરવાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારી હતી. રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને 1988માં સજા માફીના સરકારના હુકમને હાઈકોર્ટે ગેરકાયદે ઠરાવી ચાર સપ્તાહમાં તેને આત્મસમર્પણ કરવાનો હુકમ કર્યો હતો. આ હુકમ સામે અનિરૂદ્ધસિંહ જાડેજાએ સુપ્રીમ કોર્ટમાં લીવ પીટીશન કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત મળી ન હતી.
ઉલ્લેખનીય છે કે, રાજકોટના અમિત ખૂંટ આપઘાત કેસમાં પણ અનિરૂદ્ધસિંહ જાડેજાનું નામ સામે આવ્યું હતું અને આ કેસમાં પણ તેમની ધરપકડ થવાની પૂરી સંભાવના રહેલી છે. આથી, જૂનાગઢ જેલમાંથી જ ટ્રાન્સફર વોરંટના આધારે રાજકોટ પોલીસ તેની ધરપકડ કરી શકે છે.