Junagadh,તા.19
4.60 કરોડના શિષ્યવૃતી કૌભાંડની એસઓજી દ્વારા તપાસ ચાલી રહી છે. જેમાં આજે કેશોદની સંસ્થાના સંચાલકે વિદ્યાર્થીઓને ચુકવવાની શિષ્યવૃતી ચાઉં કરી તેમાંથી કાર ખરીદ કરી હતી. તેના હપ્તા તેમજ ડાઉન પેમેન્ટની માહિતી મળી હતી. આ ઉપરાંત માંગરોળની સંસ્થામાં તપાસ કરતા ત્યાં 88 ચેક દ્વારા અલગ-અલગ વ્યક્તિઓ મારફત વિડ્રો કરવામાં આવ્યાનું સામે આવ્યું છે.
જૂનાગઢ જીલ્લા અનુસુચિત જાતિ કલ્યાણ નિયામકની કચેરીમાંથી જીલ્લાની 12 જેટલી સંસ્થાના સંચાલકોએ વિદ્યાર્થીઓના નામના ખોટા દસ્તાવેજો બનાવી કુલ 4.60 કરોડથી વધુની રકમ મેળવી લઈ ચાઉં કરી લીધી હતી. 2023માં દાખલ થયેલી આ ફરિયાદ બાદ એસઓજીએ બે દિવસ પહેલા રમેશ કાળુ બાકુ, રમણીક નાથા રાઠોડ, ભાવિન લાલજી ડઢાણીયા અને જગદિશ ભીખા પરમારની ધરપકડ કરી 6 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આજે એસઓજીએ ક્રિષ્ના પેરામેડિકલ સંસ્થાના સંચાલક જગદિશ પરમારની પૂછપરછ કરતા તેણે શિષ્યવૃતીના પોતાના ખાતામાં આવેલા પૈસામાંથી એક કાર ખરીદ કર્યાની કબુલાત આપી હતી. પોલીસને તેના હપ્તા અને ડાઉન પેમેન્ટ ભર્યાની માહિતી મળી આવી હતી. આ ઉપરાંત માંગરોળની ઈન્ડિયન ઈસ્ટીટયુટમાં તપાસ કરતા તેના ખાતાધારકે શિષ્યવૃતીના પૈસા જમા થયા તે અલગ-અલગ 88 ચેક દ્વારા અલગ-અલગ વ્યક્તિઓ મારફત ખાતામાંથી વિડ્રો કરાવ્યા હતા. આ બાબતે વધુ માહિતી મેળવવા તજવીજ ચાલી રહી છે. જ્યારે માણાવદરની રોયલ ઈન્સ્ટીટયુટમાં તપાસ કરતા તેના ખાતા ધારકે અલગ-અલગ 4 ચેક અલગ-અલગ વ્યક્તિ દ્વારા વિડ્રો કરાવ્યા હોવાનું સામે આવ્યું હતું. હાલ એસઓજી દ્વારા આ મામલે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.