Kodinar, તા.20
કોડીનાર તાલુકા પંચાયતનું નવું બિલ્ડીંગ શહેરથી પાંચ કિલોમીટર દૂર દેવળી ગામે બનાવવાની દરખાસ્તનો કોડીનાર તાલુકા પંચાયતના છ જેટલા સભ્યોએ વિરોધ કર્યો છે. આ સભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને આ દરખાસ્ત રદ કરવાની અને શહેરના જૂના બસ સ્ટેન્ડ સામે આવેલી તાલુકા પંચાયતની પોતાની જમીન પર જ નવું બિલ્ડીંગ બનાવવાની માગણી કરી છે.
પત્રમાં જણાવ્યા મુજબ, કોડીનારમાં સર્વે નંબર 1369ની 52 ગુંઠા જમીન તાલુકા પંચાયત હસ્તક છે, જ્યાં જ્યુબિલી ધર્મશાળા નામની મિલકત આવેલી છે. આમ છતાં, તંત્ર દ્વારા કોડીનાર શહેરમાં જમીન ન હોવાનો ખોટો અહેવાલ રજૂ કરીને દેવળી ગામની ગૌચર જમીન પર નવું બિલ્ડીંગ બાંધવાની તજવીજ હાથ ધરાઈ છે. આ જમીન ઘન કચરાના નિકાલ માટે નિયુક્ત થયેલી છે અને તે શહેરથી ઘણે દૂર છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલી પડી શકે છે.
આ દરખાસ્ત સામે સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાલુકા પંચાયતના પત્ર લખનારા સભ્યોમાં છારા બેઠકના દક્ષાબેન અશ્ર્વિનભાઈ ચુડાસમા, ઘાંટવડ બેઠકના નાગલબેન ડાયાભાઈ વાઢેર, મોટીફાફણી બેઠકના મહેશભાઈ દેગણભાઈ રામ, કડોદરા બેઠકના શૈલેષભાઈ જગુભાઈ મોરી, સાંઢણી ધાર બેઠકના રેખાબેન કાળાભાઈ ચાવડા અને વેલણ બેઠકના ધીરુભાઈ વશરામભાઈ વંશ
આ સભ્યોનું કહેવું છે કે જો તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે અને તાલુકા પંચાયતનું નવું સેવા સદન બિલ્ડીંગ શહેરમાં જ બનાવવામાં નહીં આવે, તો તેઓ જન આંદોલન કરશે.