Junagadh તા.20
જુનાગઢ મહાનગર પોલીકાના વોર્ડ નં.3ના ભાજપના કોર્પોરેટર અને ઈન્ચાર્જ સીટી ઈજનેર વચ્ચે બબાલ થવા પામી હતી. મનપાના વોર્ડ નં.3ના ભાજન નગર સેવકે ઈજનેર સામે ફરીયાદ નોંધાવી છે. બબાલનું મુખ્ય કારણ નગરસેવકે અન્ય વોર્ડના રસ્તાના ભ્રષ્ટાચાર અંગે ફરીયાદ કરી હતી તેના મનદુ:ખમાં આ મારામારી ડખ્ખો થયો હતો.
વોર્ડ નં.3ના કોર્પોરેટર મકવાણા હરસુખભાઈ ડાયાભાઈએ બી ડીવીઝન પોલીસમાં કરેલ અરજીમાં મનપાના ઈન્ચાર્જ કાર્યપાલક જે.વી. ઝાલાએ પોતાને બે ફડાકા ઝીંકી દીધા હતા. વોર્ડ નં.2ના રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની રજુઆતના કારણે કાર રાખેલ.
ગઈકાલે હરસુખ મકવાણા કાર્યપાલક ઈજનેરની ઓફીસમાં ગયા હતા. ત્યારે ઈજનેર ઝાલાએ કહેલ કે કેમ રસ્તાના ભ્રષ્ટાચાર અંગે ફરીયાદ કરો છો. તેમ કહી બે ફડાકા ઝીંકી દીધા હતા. પાંચ વર્ષ જુના રોડના નબળા કામ બાબતે દંડ કોન્ટ્રાકટરને ફટકારવા નગર સેવકે ઈજનેરને કહ્યું હતું.
બાદ બન્ને વચ્ચે બોલાચાલી થવા પામેલ જે મારામારી સુધી વાત પહોંચી હતી મારામારીમાં સ્ટાફ વચ્ચે પડી મામલો થાળે પાડયો હતો. બાદ કોર્પોરેટર હરસુખ મકવાણાએ બી ડીવીઝન પોલીસમાં અરજી કાર્યપાલક ઝાલા વિરૂધ્ધ આપી હતી. અને ઈજનેર સામે ગુન્હો દાખલ કરવાની માંગણી કરી છે કાર્યપાલક ઈજનેર પણ નગરસેવક સામે ફરીયાદ કરવા તજવીજ હાથ ધર્યાનું જાણવા મળેલ છે. આ બબાલની શહેરમાં ચોરે અને ચૌટે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.
કોર્પોરેટર હરસુખ મકવાણાના કહેવા મુજબ બાંધકામ ના ઈજનેર ઝાલા વી.જે. અને કોન્ટ્રાકટર સાથે ભાગીદારી કરે છે જેના કારણે કામ નબળુ થાય છે જેની બે દિવસ પહેલા ફરીયાદ કરેલ હતી. ત્યારે ભાજપના એક કોર્પોરેટરે પણ મને ધમકાવેલ. આ અંગે કમીશ્નરને પણ ફરીયાદ કરી છે. એફઆઈઆર કરવાની પોલીસમાં માંગણી કરવામાં આવી છે.
મનપાના કમિશ્ર્નર તેજશ પરમારના કહેવા મુજબ કોર્પોરેટર અને ઈજનેર વચ્ચે બબાલ થઈ હતી તે બન્ને લોકોએ મને જાણ કરી હતી. ઓફીસમાં સીસીટીવી કેમેરાની માંગ કરવામાં આવી છે. પરંતુ ઓફીસની અંદર સીસીટીવી કેમેરા હોતા નથી લોબીની અંદરના સીસીટીવી હું નગરસેવકને આપીશ તેમ જણાવ્યું છે.