Gayaji, તા.20
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ગયાજીમાં પિતૃઓના આત્માની શાંતિ માટે પિંડદાન કર્યુ હતું. પોતાના પુત્ર અનંત સાથે તેઓ વિષ્ણુપદ મંદિરે પહોંચ્યા હતા. મુકેશ અંબાણીએ વિષ્ણુપદ, ફલ્ગુ અને અક્ષયવટનું વિધાન કર્યુ હતું.
પિંડદાન બાદ તેઓ તેઓ મંદિરના ગર્ભગૃહમાં ગયા હતા. અહીં વિષ્ણુચરણ પર પિંડ અર્પણ કરીને પૂર્વજોના મોક્ષની કામના કરી હતી. મુકેશ અંબાણીના પુરોહિત સાથે વિષ્ણુપદ પ્રબંધકારિણી સમિતિના અધ્યક્ષ શંભુલાલ વિઠ્ઠલે પુરા વિધિ વિધાન સાથે શ્રાધ્ધ કરાવ્યું હતું.
આચાર્ય શ્યામ બિહારી પાંડેના નેતૃત્વમાં ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી. પિતા-પુત્રની જોડી લગભગ એક કલાક સુધી ચાલેલી વૈદિક વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા. બંને મંદિરના ગર્ભગૃહમાં પહોંચ્યા. તેમણે ભગવાન શ્રી હરિના ચરણોમાં પિંડદાન કર્યું, પ્રણામ કર્યા અને તેમણે ગર્ભગૃહમાં સ્થિત દેવી લક્ષ્મીના દર્શન કરીને આશીર્વાદ લીધા.
વિષ્ણુપદ મેનેજિંગ કમિટીના ચેરમેન શંભુલાલ વિઠ્ઠલે જણાવ્યું હતું કે અંબાણી પરિવાર અને તેમના પુત્રોએ પણ તેમના પૂર્વજોના આત્માની શાંતિ માટે ખાસ પ્રાર્થના કરી હતી. વિષ્ણુપદ મંદિરમાં પિંડદાન કરવું એ ખૂબ જ દુર્લભ અને પુણ્યપૂર્ણ કાર્ય માનવામાં આવે છે. તેમના આગમન માટે મંદિર પરિસર અને એરપોર્ટ પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.