Ahmedabad, તા.20
અમદાવાદના પ્રીમીયમ ગરબા શેરી અફેર્સ અને સફેદ પરિન્દેના નામનો ઉપયોગ કરવા બાબતે તેના આયોજકોનો વિવાદ ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. અમદાવાદના એક આયોજક દ્વારા શેરી અફેર્સ અને સફેદ પરિંદે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની સામે સીટી સિવિલની કોમર્શીયલ કોર્ટમાં કોમર્શીયલ ટ્રેડ માર્ક મુદ્દે કરેલો દાવો નામંજૂર કરવાના હુકમ સામે શેરી અફેર્સના આયોજકો હાઇકાર્ટમાં અપીલ કરી કોમર્શીયલ કોર્ટના હુકમ સામે સ્ટે આપવા માંગણી કરી હતી. જો કે, હાઇકોર્ટે ગરબા આયોજકોને હાલના તબક્કે કોઇપણ પ્રકારની રાહત આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે, અગાઉ કોમર્શિયલ કોર્ટમાં આ મામલો પહોંચ્યો હતો પરંતુ ત્યાંથી તાત્કાલિક રાહત નહિ મળતા મામલો હાઇકોર્ટ સમક્ષ આવ્યો હતો. હાઇકોર્ટે કોમર્શિયલ કોર્ટને આદેશ કર્યો હતો કે પક્ષકારોની સ્ટે ની માગણી બાબતે તા. 16 સપ્ટેમ્બરના રોજ નિર્ણય લઇ લેવાનો રહેશે.
આથી કોમર્શિયલ કોર્ટ દ્વારા નિર્ણય લઇને અરજદાર નિતી મિલન પંચોલીની તરફેણમાં મનાઇ હુકમ આપવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો હતો. આથી પંચોલી દ્વારા હાઇકોર્ટમાં પિટિશન કરાઇ હતી અને લંબાણપૂર્વક દલીલો બાદ કોર્ટે સ્ટેની અરજી સ્વિકારી નહોતી.
પંચોલીના દાવા મુજબ, તેણ વર્ષ 2022માં યે વાલા સફેદ, વર્ષ 2023 માં સફેદ ઇશ્ક અને વર્ષ 2024માં સફેદ પરિંદે કરીને શહેરના એસજી હાઇવે પર આવેલા ઠાકર ફાર્મમાં ગરબાનું આયોજન કર્યું હતુ. આ વર્ષે તેઓ સફેદ ડીઝાયર થીમ પર ગરબાનું આયોજન કરી રહ્યા છે.
પ્રતિવાદી સફેદ પરિંદે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની તેમના ભળતા નામથી કંપની રજિસ્ટર્ડ કરાવીને સોશ્યલ મીડિયામાં લોકોને ભ્રમિત કરી રહ્યા છે. શેરી અફેર્સ દ્વારા સફેદ પરિંદે ઇવેન્ટ મેનેજમેન્ટને ટ્રેડ માર્કનો ભંગ કરવા બદલ એક રૃપિયાનો વળતરનો દાવો પણ કરાયો હતો.
જો કે, કોમર્શીયલ કોર્ટે તેમની મનાઇ અરજી ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે, અરજદાર શેરી અફેર્સ પ્રથમદર્શનીય રીતે કેસ પુરવાર કરવામાં નિષ્ફળ નીવડયું છે. તેઓ પોતાની શાખ દર્શાવી શક્યા નથી. તેમણે પોતાનું વેચાણ પણ દર્શાવી શક્યા નથી.
તેઓ કોઈ જ પુરાવા કે કાગળિયા રેકર્ડ પર ઉપર લાવી શક્યા નથી. સફેદ પરીન્દે શબ્દનું પહેલા રજીસ્ટ્રેશન કરાવવા અરજી કરવામાં આવી છે. ત્યારબાદ શેરી અફેર્સ દ્વારા અરજી કરવામાં આવી છે. પરંતુ હજી સુધી ટ્રેડમાર્ક રજીસ્ટર થયું નથી. તો તેનો કેસ પણ હોઈ શકે નહીં.
કોમર્શીયલ કોર્ટના આ હુકમથી નારાજ થઇ શેરી અફેર્સ દ્વારા હાઇકોર્ટ સમક્ષ અપીલ કરાઇ હતી, જો કે, હાઇકોર્ટમાં પણ તેમને નવરાત્રિ પહેલાં કોઇ રાહત મળી ન હતી અને હાઇકોર્ટે કોમર્શીયલ કોર્ટના હુકમ સામે સ્ટેની તેમની માંગણી નકારી કાઢી હતી.