Gandhinagar,તા.20
ગુજરાત ધર્મપ્રેમી અને શાંતિપ્રિય રાજ્ય છે અને આ રાજ્યમાં લવ જેહાદ જેવી પ્રવૃત્તિઓને બિલકુલ સ્થાન નથી. નામ બદલીને ભોળી યુવતીઓને ફસાવી લઈ તેને ભગાડી જવાની પ્રવૃત્તિઓ ગુજરાતમાં જરાય ચલાવી નહીં લેવાય. આ પ્રકારના ગુનામાં સંડોવાયેલા એક એક ગુનેગારોને ગુજરાત પોલીસ કાયદાનું ભાન કરાવશે.
તેની સામે કડકમાં કડક પગલા લેશે તેમ જણાવીને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આસામથી આવા એક ગુનાના આરોપીને ગણતરીના દિવસોમાં શોધી લેનાર ગાંધીનગર જિલ્લા પોલીસની સમગ્ર ટીમને આ સમગ્ર ઓપરેશન પાર પાડી ગાંધીનગરની દીકરીને તેના પરિવારને સોંપવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
ગાંધીનગર પોલીસે એક સનસનીખેજ ઓપરેશન પાર પાડીને આસામથી આ આરોપીને શોધી પાડી યુવતીને સુરક્ષિત પરત લાવી તેના પરિવારને સોંપી છે. ગાંધીનગર જીલ્લા પોલીસની ટીમોએ એક અઠવાડિયા સુધી આસામના જુદા જુદા જિલ્લાઓમાં આરોપીને શોધ્યો હતો. યુવતીને ભગાડીને વિધર્મી આરોપી આસામ પહોંચી ગયો હતો.
ત્યાર બાદ ત્યાં જઈને તે મોબાઈલ ફ્લાઇટ મોડ કરીને માત્ર વાઇફાઇથી વોટ્સએપ કોલિંગનો ઉપયોગ કરતો હોવાથી તેનું લોકેશન ટ્રેસ કરવું ખૂબ અઘરું હતું. તેમ છતાં આસામના જિલ્લાઓ ખૂંદીને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેક્નિકલ સર્વેલન્સના સહારે ગાંધીનગર જીલ્લાની એલસીબી અને સેક્ટર 7 પોલીસની ટીમે તેને શોધી કાઢી યુવતીને પરિવારજનોને પરત કરવાની કાર્યવાહી કરી છે.