Mumbai,તા.20
બોલિવૂડના જાણીતા ગાયક ઝુબીન ગર્ગ હવે આ દુનિયાને અલવિદા કહી ચુક્યા છે. અહેવાલો અનુસાર, 52 વર્ષીય ઝુબીન ગર્ગનું સિંગાપોરમાં સ્કૂબા ડાઇવિંગ કરતી વખતે નિધન થયું હતું. ત્યારે આસામના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને સિંચાઈ મંત્રી અશોક સિંઘલે ઝુબીન ગર્ગના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક ભાવુક પોસ્ટ કરી છે.
અહેવાલો અનુસાર, ગાયક સિંગાપોરમાં સ્કૂબા ડાઈવિંગનો આનંદ માણી રહ્યો હતો, આ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારબાદ ઝુબિન ગર્ગને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું નિધન થયું હતું. નોંધનીય છે કે, આજે તે નોર્થઈસ્ટ ફેસ્ટિવલમાં પરફોર્મ કરવાના હતા.
વર્ષ1972માં મેઘાલયમાં જન્મેલા ઝુબીન બોરઠાકુર એક આસામી ગાયક હતા. તેમણે 1990ના દાયકામાં પોતાનું સ્ટેજ નામ અપનાવ્યું અને તેમના છેલ્લા નામને ગર્ગથી બદલી નાખ્યું. તેમણે કંગના રણૌત, ઈમરાન હાશ્મી અને શાઇની આહુજા અભિનીત ફિલ્મ ‘ગેંગસ્ટર’માં ‘યા અલી’ ગીત ગાયું હતું.1995માં ઝુબિન મુંબઈ આવ્યા અને તેમનું પહેલું ઈન્ડીપોપ સોલો આલ્બમ, ચાંદની રાત રજૂ કર્યું. તેમણે દિલ સે (1998), ડોલી સજાકે રખના (1998), ફિઝા (2000) અને કાંટે (2002) સહિત અનેક બોલિવૂડ ફિલ્મો માટે ગીત ગાયા હતા.