Mumbai,તા.20
એક સમયે વિશ્વને પોતાની ગતિથી ચકિત કરનાર જમૈકાના દોડવીર ઉસૈન બોલ્ટ હવે એક અલગ જ વાસ્તવિકતાનો સામનો કરી રહ્યા છે. તેમણે જાહેરાત કરી છે કે દોડવાનું તો ઠીક, સીડી ચઢવા જેવું સામાન્ય કાર્ય પણ હવે તેમના માટે પડકારરૂપ બની ગયું છે. સીડી ચઢવામાં તેમનો શ્વાસ ચઢી જાય છે. ચાલો, જાણીએ કે કયા કારણસર ત્રણ વિશ્વ રેકોર્ડના માલિકની શારીરિક સ્થિતિ આવી થઈ ગઈ છે. સ્કોલિયોસિસને કારણે કિશોરાવસ્થામાં જ બોલ્ટની કરોડરજ્જુ વાંકી વળી ગઈ હતી અને તેમનું શરીર જમણી તરફ ઝૂકી ગયું હતું, જેને પરિણામે તેમનો જમણો પગ ડાબા પગ કરતાં અડધો ઇંચ ટૂંકો થઈ ગયો હતો. આવા માણસ માટે દોડવું તો શું, શરીરનું સંતુલન જાળવીને ચાલવું પણ મુશ્કેલ બની જતું હોય છે. આ સ્થિતિને લીધે કારકિર્દીની શરૂઆતમાં તેમને વારંવાર ઇજાઓ થતી, પણ બોલ્ટે અથાગ મહેનતથી પોતાની આ સમસ્યાને કાબૂમાં લીધી અને દોડવીર તરીકે અનેરી સિદ્ધિઓ મેળવી. કોર મસલ્સને મજબૂત કરવાની કસરતો અને અન્ય ઉપચારો કરીને તેમણે સ્કોલિયોસિસની સમસ્યાને નિયંત્રિત કરી, અને હજુય કરતા રહે છે. આ વાત બોલ્ટે તેમની આત્મકથા ‘ફાસ્ટર ધેન લાઇટનિંગ’માં લખી છે.
જમૈકાના આ મહાન દોડવીર નિવૃત્તિ લીધા પછી પણ સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે ક્યારેક ક્યારેક દોડ લગાવતા હતા. ગયા વર્ષે એચિલીસ ટેન્ડોનમાં થયેલી ઇજાને કારણે તેમનું દોડવું બંધ થઈ ગયું હતું. કાફ મસલ્સ(ઘૂંટણની નીચેના, પગના પાછલા ભાગના સ્નાયુઓ)ને એડીના હાડકાં સાથે જોડતા મજબૂત સ્નાયુ-પટ્ટાને એચિલીસ ટેન્ડોન કહેવાય છે. એમાં ઈજા થતાં વ્યક્તિને ચાલવા-દોડવામાં અને સીડી ચઢવામાં પીડા થાય છે. રમતવીરોમાં આવી ઈજા થવી બહુ સામાન્ય ગણાય છે. એચિલીસ ટેન્ડોન કરતાંય વધુ ગંભીર સમસ્યાથી ઉસૈન બોલ્ટ પીડાઈ રહ્યા છે અને એ છે સ્કોલિયોસિસ નામની સ્થિતિ, જેમાં કરોડરજ્જુ વાંકી થઈ જાય છે. બોલ્ટની કરોડરજ્જુ પણ અંગ્રેજી ‘S’ આકારમાં વળેલી છે. આ સમસ્યા જોકે નવી નથી. બોલ્ટ ટીનેજર હતા ત્યારથી સ્કોલિયોસિસથી પીડાય છે.બોલ્ટની દોડવીર તરીકેની સિદ્ધિઓ આજે પણ અતુલ્ય છે. તેમણે 2008 થી 2016 દરમિયાન આઠ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ અને 11 વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી હતી. 9.58 સેકન્ડમાં 100 મીટર, 19.19 સેકન્ડમાં 200 મીટર અને 36.84 સેકન્ડમાં 4×100 મીટર રિલે દોડના તેમણે બનાવેલા વિશ્વ વિક્રમો હજુ પણ કોઈ તોડી નથી શક્યું. આ સિદ્ધિઓએ તેમને ઇતિહાસના મહાનતમ ખેલાડીઓમાં સ્થાન અપાવ્યું છે.