Rajkot તા.22
કેન્દ્રીય ગૃહ-સહકારિતા મંત્રી અમિત શાહ આજે રાજકોટના પ્રવાસે છે. જીએસટીમાં રાહત વચ્ચે કેન્દ્રીય મંત્રી સહકારી ક્ષેત્ર માટે પણ કોઈ મોટી જાહેરાત કરશે તેવી અટકળો વ્યક્ત થઈ રહી છે.
રાજકોટની જીલ્લા બેંક તથા સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સામાન્ય સભા તથા તેને સંલગ્ન સહકાર સંમેલનમાં હાજરી આપવા કેન્દ્રીય ગૃહ સહકારિકા મંત્રી અમિત શાહ તથા શ્રમ-રમતગમત મંત્રી મનસુખ માંડવીયા રાજકોટની મુલાકાતે આવ્યા છે.
રેસકોર્ષમાં યોજાય રહેલી રાજકોટ જીલ્લાની સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સભા તથા સહકારી સંમેલનમાં હાજરી આપશે. બપોરે તેઓ સૌપ્રથમ જીલ્લા બેંક ભવન ખાતે વિઠલભાઈ રાદડીયા તથા વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરશે અને ત્યારબાદ રેસકોર્ષમાં સહકારી સંમેલનમાં હાજરી આપશે.
સહકાર સે સમૃદ્ધિ હેઠળ અનેકવિધ કાર્યક્રમો થઈ જ રહ્યા છે તેવા સમયે રાજકોટના કાર્યક્રમમાં અમિત શાહની હાજરીથી સહકારી જગતમાં જબરો ઉત્સાહ છે. રાજકોટ-મોરબીના સમગ્ર જીલ્લામાંથી હજારોની સંખ્યામાં સહકારી આગેવાનો, પશુપાલકો, ખેડુતો વગેરે ઉમટી પડયા છે.
કેન્દ્ર સરકારે સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા તથા કિસાનો-પશુપાલકોને મહતમ લાભ અપાવવા માટે અનેકવિધ યોજનાઓ જાહેર કરી જ છે. આજે રાજકોટના સંમેલનમાં પણ સહકારી ક્ષેત્રને લગતી મોટી જાહેરાત કરે તેવી અટકળો રહી છે.
રાજકોટનુ સહકારી માળખુ દેશભરમાં નામના ધરાવે છે. ખાસ કરીને જીલ્લા બેંક તથા રાજકોટ ડેરીની નામના વિશેષ છે અને કામગીરી-માળખાના અભ્યાસ માટે દેશભરના જુદા-જુદા રાજયોના સહકારી નેતાઓ-અધિકારીઓ મુલાકાતે આવતા હોવાનું ઉલ્લેખનીય છે.
દરમ્યાન અમિત શાહની રાજકોટની મુલાકાતને ધ્યાને રાખીને સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. હિરાસર એરપોર્ટથી જીલ્લા બેંક તથા રેસકોર્ષ સુધીના સમગ્ર માર્ગ પર ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.