Washington,તા.22
અમેરિકાએ ભારત પર લાદેલા 50% ટેરિફ અને હવે એચવન-બી વિસા મુદે પણ ભારતને ટાર્ગેટ કરતા સર્જાયેલા નવા તનાવ વચ્ચે મોદી સરકારના બે ટોચના કેન્દ્રીય મંત્રીઓ હવે વોશિંગ્ટનમાં ટ્રમ્પ તંત્ર માટે વાટાઘાટ કરવા માટે તૈયાર છે.
વિદેશ મંત્રી એસ.જયશંકર આજે ન્યુયોર્કમાં અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબીયોને મળી રહ્યા છે તો વ્યાપારમંત્રી શ્રી પિયુષ ગોયલ હવે ટેરિફ મુદે વાટાઘાટ કરવા વોશિંગ્ટન પહોંચી રહ્યા છે અને હાલમાં જ અમેરિકી ટ્રેડ પ્રતિનિધિની દિલ્હી મુલાકાત બાદ હવે ભારતના વ્યાપાર મંત્રીની અમેરિકા મુલાકાત સૂચક છે.
ભારત પર વધારાના 25% ટેરિફ લાદયા બાદ બન્ને દેશોના વિદેશ મંત્રીઓની આ પ્રથમ સીધી મુલાકાત છે. ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભા યોજાઈ રહી છે. શ્રી જયશંકર તેને સંબોધન કરનાર છે. તે સમયે આ મુલાકાતને મહત્વની ગણવામાં આવે છે.
બીજી તરફ ટેરિફ મુદે વાટાઘાટ કરવા માટે વ્યાપારમંત્રી પિયુષ ગોયલ વોશિંગ્ટન પહોંચી રહ્યા છે. બન્ને દેશો ઉંચા ટેરિફના વાતાવરણમાં નવી વ્યાપાર સમજુતી કરવા જઈ રહ્યા છે અને તેમાં હવે કેવી સફળતા મળે છે તેના પર સૌની નજર છે. અમેરિકાના ઉંચા ટેરિફથી અને હવે વિસા ફી વધારાથી ભારતના અનેક ક્ષેત્રોને મોટો ફટકો પડી રહ્યો છે અને સરકાર આ વિવાદ ઉકેલવા માટે આતુર છે.