Kutch.તા.22
પૂર્વ કચ્છમાં આવેલા વિવિધ માર્ગો પર છેલ્લા 24 કલાકમાં ત્રણ ગંભીર માર્ગ અકસ્માત થયા છે, જેમાં ત્રણ લોકોના કરૂણ મોત નિપજ્યાં છે. આ અકસ્માતોમાં બે શ્રમિક અને એક ટ્રક ડ્રાઇવરનો સમાવેશ થાય છે.
મળતી માહિતી અનુસાર, રવિવારે (21મી સપ્ટેમ્બર મોડીરાતે કંડલા પોર્ટની જેટી નંબર 14 નજીક એક ક્રેઈનના ટાયર નીચે કચડાઈ જતાં એક શ્રમિકનું મોત નિપજ્યું હતું. મૂળ રાજસ્થાનના પાલીનો રહેવાસી 47 વર્ષીય ભીખારામ પરમાર ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
સોમાવારે (22મી સપ્ટેમ્બર) સવારે વાગ્યે ભચાઉથી ગુણાતીતપુર રોડ પર એક છોટા હાથી વાહન પાછળ બાઈક ટકરાતાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય એક ઈજાગ્રસ્ત થયો હતો. મૂળ ઉત્તર પ્રદેશના મૃતક લલ્લન ચૌહાન અને તેનો ભત્રીજો બંને બુઢારમોરાની કેમોસ્ટીલ કંપનીમાં કામે જવા નિકળ્યા હતા, ત્યારે આ દુર્ઘટના બની હતી. લલ્લનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેના ભત્રીજાને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
આજે બપોરે સામખિયાળી ટોલનાકાથી અડધો કિલોમીટર દૂર ભચાઉ તરફ જતા હાઇવે પર એક ટ્રક ડ્રાઇવરનું કારની અડફેટે મોત થયું હતું. મૂળ રાજસ્થાનના જૈસલમેરનો રહેવાસી ઈશાનખાન હિંગોરજા પોતાની ટ્રકને સાઈડમાં પાર્ક કરીને ચેક કરી રહ્યો હતો, ત્યારે જ પાછળથી પૂરઝડપે આવતી એક રીટ્ઝ કારે તેને જોરદાર ટક્કર મારી હતી. ગંભીર ઈજાઓને કારણે તેનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.