પાકિસ્તાની સેનાએ તેના ચીની JF-17 થંડર ફાઇટર જેટમાંથી ઓછામાં ઓછા આઠ LS-6 બોમ્બ ફેંક્યા હતા
Islamabad, તા.૨૨
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં, જ્યાં ગયા અઠવાડિયે વૈશ્વિક આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ માટે ભરતી અભિયાનના ભાગ રૂપે પાકિસ્તાની પોલીસના રક્ષણ હેઠળ એક મેળાવડો યોજાયો હતો, ત્યાં ગઈકાલે રાત્રે પાકિસ્તાની સેનાએ તે જ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના લંડી કોટલ તહસીલના માત્રે દારા વિસ્તારમાં રહેણાંક વિસ્તાર પર હવાઈ હુમલો કર્યો, જેમાં અત્યાર સુધીમાં ૩૦ થી વધુ લોકો માર્યા ગયા. મૃતકોમાં ઘણા બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે.
ખૈબર પખ્તુનખ્વાના જે માત્રે દારા ગામમાં પાકિસ્તાની સેનાએ ઘરો પર હવાઈ હુમલા કર્યાં હતા, તે તિરાહ ઘાટીમાં અફઘાનિસ્તાન સરહદ પાસે સ્થિત છે. દાવા પ્રમાણે પાકિસ્તાની સેનાએ તિરાહ ઘાટીમાં સ્થિત આ ગામમાં મોડી રાત્રે ૨ કલાકે JF-17 વિમાનથી ઓછામાં ઓછા ૮ LS-6 બોમ્બ ફેંક્યા હતા અને આ હુમલો કથિત ઓપરેશનનો ભાગ ગણાવવામાં આવ્યો છે, જેના નામ પર પાકિસ્તાની સેના છેલ્લા ત્રણ સપ્તાહથી તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના કેમ્પો પર કાર્યવાહીનો દાવો કરી રહી છે. પરંતુ સત્ય એવું છે કે આતંકીઓની જગ્યાએ સતત સામાન્ય લોકો તેનો ભોગ બની જીવ ગુમાવી રહ્યાં છે.
દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાની સેનાએ પોતાના ચાઇનીઝ ફાઇટર જેટ JF-17 થંડરથી ઓછામાં ઓછા આઠ LS-6 બોમ્બ ફેંક્યા હતા. પાકિસ્તાની સેનાની આ કાર્યવાહીની સ્થાનિક ધારાસભ્ય ઇકબાલ અફરીદીએ નિંદા કરી છે. તેમણે ફેસબુક પર લખ્યું છે, “વાદી તિરાહ અકાખેલ પર થયેલા બોમ્બ વિસ્ફોટમાં નિર્દોષ બાળકો અને મહિલાઓ શહીદ થયા છે તે હૃદયદ્રાવક છે. આ અત્યાચાર માનવતા સામેનો સૌથી ગંભીર ગુનો છે, અને તેની જેટલી નિંદા કરીએ તેટલી ઓછી છે.” એક તરફ આ પાકિસ્તાની સરકાર અને સેના જાહેરમાં જૈશ-એ-મોહમ્મદ જેવા વૈશ્વિક આતંકી સંગઠનોને પોલીસ સુરક્ષામાં ખૈબર પખ્તુખ્વાહમાં ભરતી અભિયાન ચલાવવા આપે છે. તો બીજીતરફ પોતાના નાગરિકોની હત્યા કરે છે. આ પાકિસ્તાનની બેવડી નીતિઓ અને ખોખલા દાવાનો વધુ એક પૂરાવો છે. પાકિસ્તાની સેના આતંકીઓને આસરો આપે છે, તેને પાળે-પોસે છે અને નિર્દોશ નાગરિકોના લોહીથી પોતાના ગુનાઓને ઢાંકવાનો પ્રયાસ કરે છે, પરંતુ હવે આ સત્ય છુપાયેલું નથી કે ઇસ્લામાબાદના સત્તાધિશો અને રાવલપિંડીની ફોજ આતંકવાદની જનની અને મનુષ્યની દુશ્મન છે.