પુર ઝડપે ધસી આવેલ ટ્રકે અડફેટે લેતાં રસ્તો ઓળંગી રહેલા પ્રૌઢે સારવાર દરમિયાન દમ તોડ્યો
Jasdan,તા.22
જસદણના ખારચીયા(જામ) ગામ નજીક ગોંડલ-આટકોટ હાઇવે પર ટ્રકની ઠોકરે રસ્તો ઓળંગી રહેલા પ્રૌઢનું મોત નીપજ્યું હતું. સાંજના સમયે નોકરી પૂર્ણ કરી ઘરે પરત ફરતા પ્રૌઢને કાળનો ભેંટો થઈ જતાં પરિવારનો શોકમાં ગરકાવ થઈ જવા પામ્યો હતો.
જસદણના કમળાપુર ગામે રહેતા 42 વર્ષીય પ્રૌઢ ગોવિંદભાઈ સાદુભાઈ ગળચરે આરોપી તરીકે અશોક લીલેન્ડ કંપનીનું ટ્રક જેના નંબર જીજે-03-એટી-4822 ના ચાલકનું નામ આપી ફરિયાદ આપતાં આટકોટ પોલીસે ફેટલ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ભત્રીજા પ્રશાંતભાઈનો મને ફોન આવેલ કે, હું અને કર્મણ કાકા ઉર્ફે કમાભાઈ રબારી સાંજના સમયે એમ એમ કંપનીમાં નોકરી પૂરી કરી સવા આઠ વાગ્યે ખારચીયા(જામ) નજીક ગોંડલ-આટકોટ સ્ટેટ હાઇવે પર ગાડીમાં બેસવા રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. દરમિયાન ગોંડલ બાજુથી એક ટ્રક પુર ઝડપે ધસી આવ્યો હતો અને કર્મણ કાકાને ઠોકરે ચડાવેલ હતા. જેના લીધે તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચેલ હતી. કાકાને આટકોટ કેડીપી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડેલ છે જેથી તમે તાત્કાલિક આવો તેમ ભત્રીજાએ જણાવેલ હતું.રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે લઇ ગયેલ છે. જેથી અમે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ચાલુ સારવાર દરમિયાન મારા ભાઈનું મોત નીપજ્યું હતું.