Morbi,તા.23
મોરબીના લાલપર ગામે ચા ની લારીએ ચા પીવા ગયેલ યુવાનોને દુકાનદારે પાછા આપવાના રૂપિયામાં સિક્કા આપેલ હતા જેથી બોલાચાલી થયેલ હતી અને તેનું સમાધાન કરવા માટે લોકો ભેગા થયા હતા.
ત્યારે બંને પક્ષના લોકો વચ્ચે ફરી બોલાચાલી થઈ હતી અને સામસામે ગાળો આપીને મારામારી કરવાં આવી હતી જેથી બંને પક્ષેથી ઇજા પામેલા લોકોને સારવારમાં લઈ ગયા હતા અને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને બંને પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદાજુદા બે ગુના નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના લાલપર ગામે રામદેવનગર સોસાયટીમાં રહેતા ગફારભાઈ દાઉદભાઈ ઠેબા (46)એ હાલમાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભગવાનજીભાઈ કરસનભાઈ રબારી, દેવરાજ ભગાભાઈ રબારી, રામજીભાઈ ગોવિંદભાઈ રબારી અને જગદીશભાઈ બચુભાઈ રબારી રહે. બધા લાલપર વાળા સામે ફરિયાદ નોંધાવી છે.
જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીનો દીકરો આફતાબભાઈ તથા ભત્રીજો મોઈનભાઈ લાલપર ગામે આવેલ રાજલ પાન પાસે ચા ની લારીએ ચા પીવા માટે ગયા હતા અને ચા ની લારીએથી પાછા રૂપિયા આપ્યા તેમાં સિક્કા આપેલા હતા જે બાબતે બોલાચાલી થઈ હતી અને તે વાતનું સમાધાન કરવા માટે ફરિયાદી ગયેલ હતા ત્યારે આરોપીઓએ ગાળો આપી હતી અને છુટા પથ્થરના ઘા કરીને માથામાં ઇજા કરી હતી તેમજ તેઓની પાસે રહેલ લાકડી વડે ફરિયાદીને જમણા હાથની કોણીના નીચેના ભાગે તથા આંગળીઓમાં મારમારીને ફેક્ચર જેવી ઈજા કરેલ છે તેમજ ફરિયાદીની ભત્રીજી ફીરજાબેનને માથાના ભાગે માર માર્યો હોવાથી તેને ટાંકા આવ્યા હતા અને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જ્યારે સામાપક્ષેથી લાલપર ગામે ધાર વિસ્તારમાં રહેતા જગદીશભાઈ બચુભાઈ રબારી (41)એ ગફારભાઈ દાઉદભાઈ, આફતાબભાઈ ગફારભાઈ, માસુમભાઈ ગફારભાઈ, ફીરજાબેનને આમીનભાઈ, મોઈનભાઈ અમીરભાઈ અને માવર ગુલામભાઈ રહે. બધા લાલપર વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીના ભત્રીજા રામજીભાઈ ગોવિંદભાઈની લાલપર ગામે રાજલ પાન પાસે ચાની લારી આવેલ છે ત્યાં આફતાબભાઈ અને મોઈનભાઈ ચા પીવા માટે આવ્યા હતા અને તેને ચાના રૂપિયા લઈને જે પાછા રૂપિયા આપ્યા હતા.
તેમાં સિક્કા આપેલા હતા જે બાબતે ફરીયાદીના ભત્રીજા રામજીભાઈ સાથે બોલાચાલી કરી હતી જેથી ફરિયાદી ગફારભાઈના ઘર પાસે સમાધાન કરવા માટે ગયા હતા અને વાતચીત ચાલી રહી હતી તેવામાં ફરિયાદીને ગાળો આપી હતી અને આફતાબે બેઝબોલના ધોકા વડે ફરિયાદીને ડાબી બાજુની પાંસળી પાસે મારીને ફેક્ચર જેવી ઇજા કરી હતી તેમજ છરી વડે જમણા હાથમાં ઇજા પહોંચાડી હતી.
જેથી ટાંકા આવ્યા હતા જ્યારે સાહેદ ભગવાનજીભાઈ, રામજીભાઈ, દેવરાજભાઈ, જયદીપભાઇ તથા સતિષભાઈ ને અન્ય આરોપીઓએ શરીરને ઢીકાપાટુનો મારમારીને ઇજા કરી હતી તેમજ ફીરજાબેને પાછળથી પથ્થરનો ઘા મારીને ભગવાનજીભાઈને પગમાં ઈજા કરી હતી જેથી ઇજા પામેલ લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલા સહિત કુલ છ વ્યક્તિ સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.