Rajkot, તા.23
રાજકોટમાં યોજાયેલા સહકાર સંમેલનમાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે રાજકોટ જિલ્લાના શક્તિશાળી નેતા અને સહકારી આગેવાન જયેશ રાદડીયાના ભારોભાર વખાણ કર્યા હતા અને સહકારી ક્ષેત્રમાં તેમની કામગીરી અભિનંદનને પાત્ર હોવાનું જણાવ્યું હતું.
સહકાર સંમેલનમાં સંબોધન કરતા અમિત શાહે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાનું સહકારી માળખુ ઘણુ મજબુત છે. રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડીયાને તેનો ઘણો યશ જાય છે. તેમનું ઘણુ યોગદાન છે, સહકારી માળખાને મજબુત અને સુદ્રઢ બનાવવાનું તેમણે કામ કર્યુ છે. તેને તે માટે હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું.
અમિત શાહની આ પ્રશંસાને પગલે મંચ પર હાજર જયેશ રાદડીયાએ બે હાથ જોડીને અભિવાદન ઝીલ્યુ હતું. આ તકે સંમેલનમાં તાળીઓના ગડગડાટથી આ વિધાનોને વધાવાયા હતા.
કેન્દ્રીય મંત્રી અમિત શાહે સંમેલનમાં સ્વ.વિઠ્ઠલભાઇ રાદડીયા તથા સ્વ.વલ્લભભાઇ પટેલના સહકારી યોગદાનને પણ બિરદાવ્યું હતું અને યાદો વાગોળી હતી. તેમણે કહ્યું હતું કે રાજકોટની ભૂમિએ શકિતશાળી ખેડુત પુત્રો આપ્યા છે. સ્વ.વલ્લભભાઇ પટેેલે સમગ્ર દેશના ખેડુતોના પ્રશ્નો માટે લડાઇ લડી હતી.
જ્યારે સ્વ.વિઠ્ઠલભાઇ રાદડીયાએ ખેડુતો તથા સહકારી ક્ષેત્રની લાંબા વખત સુધી સેવા કરી હતી. સહકારી ક્ષેત્રને તેઓએ નમુનેદાર બનાવી છે અને તેમના વડપણ હેઠળ રાજકોટની જિલ્લા બેંક સહિતની સહકારી સંસ્થાઓએ રાષ્ટ્રીય લેવલના એવોર્ડ પણ હાંસલ કર્યા છે.
જિલ્લા બેંકના વર્તમાન ચેરમેન જયેશ રાદડીયા પણ પિતા વિઠ્ઠલભાઇના રસ્તે આગળ વધીને સહકારી ક્ષેત્રને વધુને વધુ મજબુત બનાવી રહ્યા છે.