Mumbai,તા.23
સુકેશ ચન્દ્રશેખરને સંડોવતા 200 કરોડના મની લોન્ડરિંગના કેસમાં પોતાની સામેની એફઆઈઆર રદ કરાવવા માટે જેક્લિન ફર્નાન્ડિઝ સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. સુપ્રીમ કોર્ટ સોમવારે ૨૨મી સપ્ટેમ્બરે તેની અરજીની સુનાવણી થવાની સંભાવના છે.
આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા જેક્લિનને સહ આરોપી તરીકે દર્શાવાઈ છે. ટ્રાયલ કોર્ટે કેસમાં જેક્લિન સામે પૂરતા પુરાવા હોવાનું નોંધ્યું હતું. એફઆઈઆર રદ કરવાની જેક્લિનની અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી હતી. હવે હાઈકોર્ટના ચુકાદાને જેક્લિને સુપ્રીમમાં પડકાર્યો છે. શરુઆતથી જ આ કેસમાં જેક્લિનની દલીલ રહી છે કે તે સહ આરોપી નહિ પરંતુ ખુદ સુકેશની ઠગાઈનો શિકાર બની છે. જોકે, ઈડીના દાવા અનુસાર સુકેશે ૨૦૦ કરોડ રુપિયા ગુન્હાઈત ગતિવિધિ દ્વારા મેળવ્યા હોવાનું જાણ્યા પછી પણ જેક્લિને તેની પાસેથી કરોડો રુપિયાની ભેટસોગાદો સ્વીકારી હતી અને આ રીતે સુકેશને પૈસા સગેવગે કરવામાં તે મદદરુપ બની હતી. જેક્લિન ઉપરાંત નોરા ફતેહી પણ સુકેશના સંપર્કમાં હતી પરંતુ જે ક્ષણે નોરા ફતેહીને સુકેશની ગુન્હાઈત પ્રવૃત્તિઓ વિશે જાણ થઈ ત્યારથી જ તેણે સુકેશ સાથેના સંપર્કો કાપી નાખ્યા હતા.