Mumbai,તા.23
શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન દ્વારા બનાવાયેલ વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ મુશ્કેલીમાં મુકાઈ છે. સિરીઝના એક સીનમાં અભિનેતા રણબીર કપૂરને ઈ-સિગારેટ પીતો દેખાડવામાં આવતા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે (NHRC) મુંબઈ પોલીસને સિરીઝના નિર્માતાઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આર્યન ખાને (Aryan Khan) જે વેબ સિરીઝ બનાવી છે, તેમાં લેવાયેલા વિવાદાસ્પદ સીનમાં કોઈ ચેતવણી કે ડિસ્ક્લેમર લખાયું નથી. આમ થવાથી યુવા પેઢી પર નકારાત્મક અસર પડી શકે છે. આ અંગે ફરિયાદી વિનય જોશીએ એનએચઆરસીને ફરિયાદ કરી હતી. એનએચઆરસીએ માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવને પણ આવા સીન પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવા નોટિસ પાઠવી છે. આ ઉપરાંત, મુંબઈ પોલીસ કમિશનરને ઈ-સિગારેટનું વેચાણ કરનારાઓની તપાસ શરૂ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, 17 સપ્ટેમ્બર-2019ના રોજ કેન્દ્રીય કેબિનેટે એક વટહુકમ બહાર પાડીને દેશભરમાં ઈ-સિગારેટ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પ્રતિબંધ હેઠળ ઈ-સિગારેટનું વેચાણ, ઉત્પાદન, સંગ્રહ, આયાત-નિકાસ અને પ્રચાર સંપૂર્ણપણે ગેરકાયદે છે. ઈ-સિગારેટ નિષેધ અધિનિયમ-2019ના ઉલ્લંઘન બદલ પાચં લાખ રૂપ્યાનો દંડ, ત્રણ વર્ષની જેલ અથવા બંને સજા થઈ શકે છે.