Mumbai,તા.23
બોલિવૂડના પ્રખ્યાત ગાયક ઝુબિન ગર્ગ આજે પંચમહાભૂતમાં વિલીન થયા છે. ગુવાહાટી નજીક સોનાપુરના કમરકુચીમાં પરિવારજનો, સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં ગર્ગની અંતિમ વિધિ હાથ ધરાઈ હતી. અંતિમ સંસ્કાર દરમિયાન તેમનું ફેવરિટ સોંગ વગાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઝુબિન ગર્ગના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવી હતી. કમરકુચી સ્થિત સ્મશાન ઘાટ પર તેમના અંતિમ સંસ્કારની વિધિ તેમની નાની બહેન પાલ્મી બોરઠાકુરે કરી હતી. 52 વર્ષીય ઝુબિનના અંતિમ સંસ્કાર દરમિયાન તેમના પત્ની ગરીમા સૈકિયા ગર્ગ ચોધાર આંસુએ રડી હતી. ચાહકોએ પણ ભીની આંખ સાથે વિદાય આપી હતી. સિંગાપોરમાં સ્કુબા ડાઈવિંગ દરમિયાન ઝુબિન ગર્ગનું મોત થયુ હતું. ઝુબીનનો મૃતદેહ 21 સપ્ટેમ્બરે રવિવારેના રોજ સિંગાપોરથી ગુવાહાટી લાવવામાં આવ્યો હતો. તેમના અંતિમ દર્શન માટે હજારોની સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. ગુવાહાટી સહિત સમગ્ર આસામમાં શોકની લાગણી છવાઈ હતી.કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પણ સ્મશાનઘાટ પહોંચ્યા હતા. તેને તોપની સલામી આપવામાં આવી હતી. ગુવાહાટી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ઝુબિનનું બીજી વખત પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પહેલાં સિંગાપોરમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ઝુબિન ગર્ગનું 19 સપ્ટેમ્બરના રોજ સિંગાપોરમાં સ્કૂબા ડાઈવિંગ કરતી વખતે એક દુર્ઘટનામાં મોત થયું હતું. બે દિવસ બાદ તેમનો પાર્થિવ દેહ દિલ્હી પહોંચ્યો હતો, બાદમાં સ્પેશિયલ પ્લેન મારફત ગુવાહાટી લાવવામાં આવ્યો હતો. ગાયકની પત્નીએ સ્પષ્ટતા કરી હતી કે, ઝુબિનનું મોત સ્કૂબા ડાઈવિંગમાં નહીં, પણ હાર્ટઅટેકના કારણે થયુ હતું.