Gandhinagar ,તા.23
ગુજરાતમાં ચાર વર્ષ જૂની ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કેબિનેટનું વિસ્તરણ થવા જઇ રહ્યું છે. અનેક અટકળોના અંતે નવરાત્રી દરમ્યાન મંત્રીમંડળમાં મોટાપાયે ફેરફારો થવાની સંભાવના છે. વર્તમાન ક્યા મંત્રી કપાશે અને ક્યા નવા ચહેરા આવશે તે અંગે અટકળો વહેતી થઇ છે.
નવરાત્રીના સમયમાં જ ભાજપમાં રાજકીય ગરમાવો આવી રહ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની મુલાકાતોના અંતે કેબિનેટના વિસ્તરણને પાકાપાયે મંજૂરી મળી ગઇ છે.
ખાસ કરીને નબળો દેખાવ કરનારા મંત્રીઓને કેબિનેટમાંથી દૂર કરવામાં આવશે અને પાર્ટીના સંગઠનમાં જે અસંતોષને તેને ખાળવા માટે નવા ચહેરાઓને કેબિનેટમાં સમાવવામાં આવશે.
હવે નવા મંત્રીમંડળની જાહેરાત પણ નવરાત્રીમાં થશે અને ત્યારબાદ શપથવિધિ પણ આ જ પાવન પર્વના દિવસોમાં થશે. ગૃહમંત્રી અમિત શાહે હાલ સુરતની મુલાકાત લીધી હતી તે સમયે તેઓ એક કલાક સુધી પાટીલ સાથે બંધ બારણે બેઠક કરી હતી.
રાજકીય વર્તુળોમાં થતી ચર્ચાઓ પ્રમાણે ચાર વર્ષ પછી થનારા વિસ્તરણમાં 12 થી 15 નવા ચહેરા આવી શકે છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ હેતુસર આવતીકાલ મંગળવારે નવી દિલ્હી જઇ રહ્યાં છે. તેમની મુલાકાત દરમ્યાન ગુજરાતનું નવું સંભવિત મંત્રીમંડળ નિશ્ચિત થશે.
ગુજરાતના નવા મંત્રીમંડળમાં જયેશ રાદડિયા, અર્જુન મોઢવાડીયા, સી.જે.ચાવડા, સંગીતા પાટીલ, સંદીપ દેસાઈ, રિવાબા જાડેજા અથવા ડો.દર્શિતા શાહ, મેઘજીભાઈ ચાવડા અથવા ઉદય કાનગડ, ડો.પ્રદ્યુમન વાજા, સહિતના નામો ચર્ચામાં છે અને તેમને પ્રબળ રીતે મંત્રીમંડળમાં સ્થાન મળશે તેવું નિશ્ચિત મનાઈ છે.
ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં શાસનના ચાર વર્ષ પૂર્ણ કર્યા છે. વિધાનસભાની ચૂંટણીઓ 2027માં થવાની છે ત્યારે તે પહેલાં કેબિનેટનું વિસ્તરણ કરીને ભાજપ હાઇકમાન્ડ એન્ટી ઇન્કમબન્સી ફેક્ટરને દૂર કરવા માગે છે. ભૂતકાળમાં પણ હાઇકમાન્ડે આખે આખું મંત્રીમંડળ બદલી નાંખ્યું હોવાના દાખલા છે.
હવે જોવાનું એ રહે છે કે હાલના મંત્રીમંડળમાંથી ક્યા સભ્યો કપાય છે અને ક્યા નવા ચહેરાઓને સ્થાન મળે છે. ઉલ્લેખનીય છે કે હવે જાન્યુઆરીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ યોજાશે.
હાલનું મંત્રીમંડળ
હાલના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી ઉપરાંત કનુભાઇ દેસાઇ, બળવંતસિંહ રાજપૂત, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા, ભાનુબેન બાબરિયા, મુળુ બેરા અને કુબેર ડિંડોર મળીને કેબિનેટના આઠ સભ્યો છે.
જ્યારે સ્વતંત્ર હવાલો ધરાવતા બે રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા છે. એ ઉપરાંત રાજ્યમંત્રીમાં બીજા છ મંત્રીઓ – મુકેશ પટેલ, પ્રફુલ પાનસેરિયા, ભિખુભાઇ પરમાર, બચુ ખાબડ, પરસોત્તમ સોલંકી અને કુંવરજી હળપતિ છે.
આટલા મંત્રીઓની હકાલપટ્ટી
એવું માનવામાં આવે છે કે કેબિનેટમાંથી ત્રણ અને રાજ્યકક્ષામાંથી છ મંત્રીઓ પડતા મૂકાઇ શકે છે પરંતુ છેલ્લી ઘડીએ હાઇકમાન્ડ ક્યો ફેસલો કરે છે તે મંત્રીમંડળની શપથવિધિ સમયે ખબર પડે તેમ છે. ઉલ્લેખનીય છે કે, કેબિનેટમાં રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડના કારણે ભાજપની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે.
એટલું જ નહીં એક ડઝન કરતાં વધુ સભ્યોની કામગીરી સંતોષજનક દેખાતી નથી. હાલ એવી પણ ચર્ચા છે કે ભાનુબેન બાબરીયા, રાઘવજી પટેલ, કનુ દેસાઈ, કુબેર ડિંડોર, બચુ ખાબડ, ભીખુભાઈ પરમાર જેવા મંત્રીઓને પડતા મુકાઈ તેવી શકયતા છે.