Rajkot,તા.22
ગઈકાલે આગામી ત્રણ વર્ષ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નવા હોદેદારો દ્વારા ચૂંટણી અંગે ફોર્મ ભરવામાં આવ્યા હતા. બોર્ડ પ્રમુખ તરીકે દિલ્હીનો પૂર્વ રણજી કેપ્ટન મિથુન મન્હાસનું નામ નિશ્ચિત થયું છે. ત્યારે એપેક્ષ સભ્ય તરીકે વધુ એક પૂર્વ ક્રિકેટર અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના પ્રમુખ જયદેવ શાહનું નામ નક્કી કરાયું છે. જયદેવ શાહની આ રીતે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં એન્ટ્રી થઈ છે.
જયદેવ શાહ સૌરાષ્ટ્ર રણજી ટીમના સફળ કેપ્ટન રહી ચૂક્યા છે. તેઓએ 100 થી વધુ મેચમાં સુકાની પદ સંભાળી સૌરાષ્ટ્ર માટે એક રાષ્ટ્રીયસ્તરે રેકોર્ડ સર્જ્યો છે. ત્યારબાદ 2019 થી તેઓએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના પ્રમુખ બન્યા અને એડમિનિસ્ટ્રેટર તરીકે જવાબદારી સંભાળી હતી.
આ સમય દરમ્યાન સૌરાષ્ટ્ર ટીમ બે વખત રણજી ચેમ્પિયન બની અને એક જ વર્ષમાં વિજય હઝારે ચેમ્પિયન અને અંડર 25 ચેમ્પિયન પણ બની. ક્રિકેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સતત અપગ્રેડ કરાયું અને ખેલાડીઓને સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ જેવી ટુર્નામેન્ટ થકી પ્લેટફોર્મ અપાયું હતું.
હવે ભારતીય ક્રિકેટ બોર્ડના એપેક્સ સભ્ય બનશે. ભારતીય ક્રિકેટ બોર્ડમાં પાંચ પદાધિકારી ઉપરાંત ચાર એપેક્ષ હોય છે જેમાંથી એક રાજ્યના એસોસિએશન તરફથી પ્રતિનિધિત કરતા હોય છે, એક પૂર્વ મહિલા ક્રિકેટર, એક પૂર્વ પુરુષ ક્રિકેટર અને એક એકાઉન્ટન્ટ જનરલ તરફથી નિમણૂંક કરાયા હોય છે.
ત્યારે સમગ્ર દેશમાંથી એક માત્ર જયદેવ શાહ જેઓ રાજ્યના એસોસિએશનને પ્રતિનિધત કરશે તે સૌરાષ્ટ્ર ક્રિકેટ માટે ગૌરવની બાબત ગણાય છે. જયદેવ શાહે ગઈકાલે ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી દેવજીત સૈકિયા, જોઇન્ટ સેક્રેટરી પ્રભતેજ ભાટિયાની હાજરીમાં ફોર્મ ભર્યું હતું. આ ઉપરાંત તમામ ફોર્મ ભરનાર લોકો વિરૂધ્ધ કોઈ અન્ય ન હોવાથી તેઓ બિનહરીફ ચૂંટાઈ આવશે, સત્તાવાર 28 તારીખે વાર્ષિક સાધારણ સભા દરમ્યાન જાહેરાત થશે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.માંથી આ પેહલા નિરંજનભાઈ શાહ ભારતીય ક્રિકેટ બોર્ડમાં મહત્વની અલગ અલગ જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. તેઓ બે વખત બોર્ડ સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી, ઉપપ્રમુખ (પશ્ચિમ ઝોન), આઇપીએલ વાઇસ ચેરમેન, નેશનલ ક્રિકેટ એકેડમી ચેરમેન રહી ચૂક્યા છે. હવે તેમના સુપુત્ર અને પૂર્વ ક્રિકેટર જયદેવ શાહની ક્રિકેટ બોર્ડમાં એન્ટ્રી સાથે આગેકૂચ થઈ છે.