Rajkot, તા.23
પોતાને કલ્કી અવતાર ગણાવનાર રમેશચંદ્ર ફેફરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. રાજકોટ સ્થિત યુનિવર્સીટી રોડ પર પોતાના ઘરે ગઈકાલે મોડી રાત્રે પગલું ભરી લીધું હતું. એકલવાયા જીવનથી કંટાળી આત્મહત્યા કર્યાનું પોલીસનું તારણ છે. રમેશચંદ્ર ડેમ સિંચાઈ ખાતામાં ઈજનેર હતા. ઘર કંકાસ બાદ પત્ની અને પુત્ર લંડન રહેવા જતા રહ્યા હતા. પોતે એકલા જ બંગલામાં રહેતા હતા.
આ અંગે મળતી વિગત અનુસાર, રમેશચંદ્ર હરજીભાઈ ફેફર (ઉંમર વર્ષ 60, રહે.બંસરી સોસાયટી, યુનિવર્સીટી રોડ, એચપી પેટ્રોલ પાછળ, બંસરી સોસાયટી, રાજકોટ) ગઈકાલે રાત્રે 2.30 વાગ્યે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરિવારજનોને જાણ થતા 108માં જાણ કરી હતી. 108ના ઇએમટીએ સ્થળ પર જ રમેશચંદ્ર ફેફરને મૃત જાહેર કર્યા હતા.
બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસના એએસઆઈ જયસિંહ ઝાલા પોતાની ટીમ સાથે દોડી ગયા હતા જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે ખસેડ્યો હતો પરિવારજનોની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે રમેશચંદ્ર ફેફર ડેમ અને સિંચાઈ વિભાગના ઇજનેર હતા તેમના પત્ની અને પુત્ર લંડન રહે છે.
એકલવાયા જીવનથી કંટાળીને રમેશચંદ્ર ફરે આ પગલું ભરી લીધું હોવાનું પોલીસે અનુમાન લગાવ્યું છે પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે રમેશચંદ્ર ફેપરની માનસિક તબિયત અંગે સારવાર ચાલુ હતી. અગાઉ તેમના ઘર કંકાસથી પત્ની અને પુત્ર તેમનાથી અલગ થઈ ગયા હતા.
ત્યારબાદથી રમેશચંદ્ર ફેફર પોતાના બંગલામાં એકલા જ રહેતા હતા. પીએમ બાદ પોલીસે તેમના ભાણેજને મૃતદેહ સોપ્યો હતો. રમેશચંદ્ર ફેફર પોતાના નિવેદનોથી હંમેશા ચર્ચામાં રહ્યા હતા. તેઓ પોતાને કલ્કી અવતાર ગણાવતા.
ઉપરાંત અનેક વખતે વિવાદિત નિવેદન પણ કરતા. તાજેતરમાં રમેશચંદ્ર ફેફરે બાબા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અંગે નિવેદન આપતાં તેમણે જણાવ્યું હતું કે, જગદંબાનો મને આદેશ આવ્યો છે કે, આ ધીરેન્દ્ર શાસ્ત્રી ઢોંગી છે. તેઓ આ નિવેદનથી ચર્ચામાં આવ્યા હતા. આ ઉપરાંત ભગવાન પરશુરામ વિરુદ્ધ નિવેદન આપતા તેની વિરુદ્ધ ધાર્મિક લાગણી દુભાવ્યાનો ગુનો પણ દાખલ થયો હતો.

