New Delhi,તા.23
દેશમાં નેતાઓના પૂતળા (સ્ટેચ્યુ) મુકવાની શરૂ થયેલી હોડમાં જે રીતે જાહેર સ્થળો-બગીચાઓ-માર્ગના કોર્નર પર સરકારી ખર્ચ પુતળાઓ મુકવામાં આવી રહ્યા છે તેની સામે પ્રશ્ન ઉઠાવતા સુપ્રીમકોર્ટે શા માટે જાહેર ભંડોળનો ઉપયોગ કરી આ પ્રકારના પુતળા મુકાયા છે તે મુદો ઉઠાવીને તામિલનાડુમાં રાજયના પુર્વ મુખ્યમંત્રી કરૂણાનિધિના પુતળા મુકવા સરકારી ખર્ચ મુકવાની માંગણી ફગાવી દીધી છે. સુપ્રીમકોર્ટે જણાવ્યું કે પુર્વ નેતાઓની મહિમા વધારવા સરકારોએ જાહેર ભંડોળના ઉપયોગ કરવાની કોઈ જરૂર નથી.
તામિલનાડુના તિરૂનલ્વેલી જીલ્લામાં પુર્વ મુખ્યમંત્રી કરૂણાનિધિની પ્રતિમા મુકવાના મુદે સર્વોચ્ચ અદાલતે આ ચુકાદો આપ્યો હતો. રાજય સરકારે ડીએમકેના આ પુર્વ નેતાની જાયન્ટ પ્રતિમા આ જીલ્લાના વાલીપુર ડેઈલી વેજીટેબલ માર્કેટના પ્રવેશદ્વાર પાસે મુકવાની મંજુરી સુપ્રીમ કોર્ટ પાસે માંગી હતી પણ સરકારી ખર્ચે તે મુકવાની મંજુરી સર્વોચ્ચ અદાલતે આપી હતી.
જો કે રાજય સરકાર વતી રજુઆત થઈ હતી કે કરૂણાનિધિની પ્રતિમા મુકવા પાછળ રૂા.30 લાખનો ખર્ચ તો થઈ ગયો છે. અગાઉ મદ્રાસ હાઈકોર્ટે પણ આ રીતે જાહેરનાણાથી નેતાઓની પ્રતિમા મુકવાની મંજુરી આપી ન હતી.
હાઈકોર્ટે જણાવ્યું હતું કે જાહેર સ્થળોને લીડર્સ પાર્ક બનાવવાની છુટ આપી શકાય નહી. આ પ્રકારના સ્થળોનો ઉપયોગ યુવાવર્ગના જ્ઞાન-વિચારો તથા અભ્યાસ સંબંધી પ્રવૃતિ વધે તેના માટે થવો જોઈએ.
હાઈકોર્ટે ટ્રાફિક પોઈન્ટ વિ. સ્થળો પર પણ આ પ્રકારની પ્રતિમા મુકવાની મંજુરી આપવા ઈન્કાર કરતા જણાવ્યું હતું કે સરકારી નાણાનો ઉપયોગ લોકોને ગીચ-ટ્રાફીકમાંથી મુકતી મળે તેના માટે થવો જોઈએ.
લોકોને બંધારણ હેઠળ જે અધિકાર મળ્યા છે. સરકારે તેની સુરક્ષા માટે કામ કરવું જોઈએ. હાઈકોર્ટે જણાવ્યું કે જયારે જાહેર સ્થળોએ કોઈ પુતળા-પ્રતિમા મુકવાની મંજુરી આપવા સુપ્રીમ કોર્ટે જ ઈન્કાર કર્યો છે તો રાજય સરકાર પછી તેની મંજુરી આપી શકે નહી.