Varanasi,તા.23
બેંગ્લુરુથી વારાણસી આવી રહેલ એર ઈન્ડિયા એકસપ્રેસના વિમાનમાં એક યાત્રીએ કોકપિટ ખોલવાની કોશિશ કરી હતી, પાયલોટે હાઈજેકની આશંકામાં કોકપિટનો દરવાજો નહોતો ખોલ્યો અને એટીસીને સૂચના આપી હતી.
વારાણસીના બાબતપુર એરપોર્ટ પર વિમાનના સુરક્ષિત લેન્ડીંગ બાદ સીઆઈએસએફએ કોકપીટ ખોલવાનો પ્રયાસ કરનાર યાત્રી અને તેના 8 સાથીઓને કસ્ટડીમાં લઈને પોલીસને સોંપી દીધા હતા.
પોલીસ અધિકારીઓની સાથે સાથે ગુપ્તચર એજન્સીઓએ યાત્રીઓની પુછપરછ હાથ ધરી છે. પ્રારંભીક તપાસમાં એવું બહાર આવ્યું છે કે બધા ટેકસી ડ્રાઈવર છે અને વારાણસી દર્શન-પૂજન માટે જઈ રહ્યા છે.
વારાણસી પોલીસે તેમના બારામાં બેંગ્લુરુ પોલીસ પાસેથી જાણકારી માંગી છે. આરોપીઓએ જણાવ્યું હતું કે તેઓ ટોઈલેટ સમજીને કોકપીટમાં ઘુસી રહ્યા હતા. એર ઈન્ડિયા એકસપ્રેસનું વિમાન આઈએકસ 1086 સોમવારે સવારે બેંગ્લુરુથી પોતાના નિર્ધારિત સમયમાં ઉડીને વારાણસી આવી રહ્યું હતું.
વિમાન આકાશમાં આવ્યાની થોડી વાર બાદ જ એક યાત્રીએ કોકપીટમાં જવા માટે પાસકોડ નાખી ગેટ ખોલવાની કોશિશ કરી હતી. ઉડતી વખતે વિમાનમાં, કોકપીટ ખોલવા માટે પાસકોડ નાખતા જ પાયલોટને એલર્ટ આવ્યું કે કોકપીટમાં ઘુસવા માંગે છે.
પાયલોટે સીસીટીવી કેમેરામાં અજાણ્યો ચહેરો જોઈ વિમાન હાઈજેક કરવાની આશંકાથી રિકવેસ્ટ રિજેકટ કરી. યાત્રીએ વારંવાર કોશિશ કરી અને પાયલોટે દરેક વખતે રિકવેસ્ટ રિજેકટ કરી નાખી. વિમાનનું વારાણસીમાં લેન્ડીંગ થતા જ સીઆઈએસએફના જવાનોએ કોકપીટ ખોલવાનો પ્રયાસ કરનાર યાત્રી અને તેની સાથે યાત્રા કરનાર અન્ય આઠ યાત્રીઓને કસ્ટડીમાં લઈ લીધા હતા.
સૂત્રો અનુસાર કોકપીટ ખોલવાનો પ્રયાસ કરનાર યાત્રીએ એવો ખુલાસો કર્યો હતો કે તે પહેલી વાર વિમાનમાં મુસાફરી કરી રહ્યો હતો અને તેણે કોકપીટને ટોઈલેટ સમજીને ગેટ ખોલવાનો પ્રયાસ કર્યો હતો. જયારે યાત્રીને ક્રુ મેમ્બરે કહ્યું તેણે કોકપીટ ગેટ ખોલવાની કોશિશ કરી છે તો તે તેની સીટ પર ચૂપચાપ બેસી ગયો હતો.