કિશનસિંહ મોરબીયા
Virpur તા.૧૮ઃ
ગાયત્રી મુક્તિધામ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષભર એકત્રિત કરાયેલા અસ્થિ કુંભનું સમૂહ પૂજન બાદ ટ્રસ્ટ દ્વારા સ્વખર્ચે હરિદ્વાર લઈ જઈ ગંગા નદીમાં શાસ્ત્રોક્ત વિધિથી કરાય છે અસ્થિ વિસર્જન.
સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં માનવતા અને સેવાભાવનું અનોખું ઉદાહરણ જોવા મળી રહ્યું છે. વીરપુર ગાયત્રી મુક્તિધામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૧૭ વર્ષથી કોઈપણ જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર મૃતકોના અસ્થિ વિસર્જનની નિઃશુલ્ક સેવા કરવામાં આવી રહી છે. અંતિમ સંસ્કાર બાદ અસ્થિઓના વિસર્જનની જવાબદારી ટ્રસ્ટ દ્વારા નિઃસ્વાર્થ ભાવે નિભાવવામાં આવે છે.
વીરપુર મુક્તિધામ ખાતે આજે વર્ષ દરમિયાન એકત્રિત કરવામાં આવેલા અસ્થિ કુંભનું સમૂહ અસ્થિપૂજન શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વીરપુર સ્વામિનારાયણ ગુરુકુળના શાસ્ત્રી સ્વામી વિશ્વવિહારી દાસ, જેતપુર તાલુકા પંચાયતના સદસ્ય રમેશભાઈ કોઠારી, રમેશભાઈ શેખ સહિત ગાયત્રી મુક્તિધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને સેવાભાવી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ટ્રસ્ટના પ્રમુખ અનિલભાઈ વઘાસિયાના જણાવ્યા મુજબ, વીરપુરમાં વર્ષ દરમિયાન જે કોઈ વ્યક્તિનું અવસાન થાય છે, તેમના અસ્થિઓને મુક્તિધામ ખાતે બનાવવામાં આવેલી ખાસ અસ્થિ બેંકમાં કુંભમાં સુરક્ષિત રાખવામાં આવે છે. વર્ષના અંતે તમામ અસ્થિ કુંભને એકત્રિત કરી મુક્તિધામ પરિસરમાં સામૂહિક રીતે શાસ્ત્રોક્ત પૂજન કરવામાં આવે છે. આ પૂજન પ્રસંગે મૃતકના પરિવારજનો પણ ઉપસ્થિત રહી પોતાના સ્વજનને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.
પૂજનવિધિ પૂર્ણ થયા બાદ ગાયત્રી મુક્તિધામ ટ્રસ્ટના સભ્યો દ્વારા તમામ અસ્થિ કુંભને સ્વખર્ચે હરિદ્વાર લઈ જવામાં આવે છે. હરિદ્વાર ખાતે ગંગા નદીના પવિત્ર કિનારે હિન્દૂ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન મુજબ પૂજા-અર્ચના કર્યા બાદ તમામ અસ્થિઓનું સામૂહિક રીતે વિસર્જન કરવામાં આવે છે.
આ સમગ્ર સેવાકાર્યમાં મૃતક પરિવાર પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. ખાસ કરીને આર્થિક રીતે નબળા પરિવારો માટે આ સેવા મોટી રાહતરૂપ બની રહી છે. અંતિમ વિધિ સાથે જોડાયેલી આ સેવા માટે ટ્રસ્ટ દ્વારા કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી અને સેવાભાવને જ પ્રાથમિકતા આપવામાં આવે છે.

