પગપાળા જઈ રહેલી યુવતીની પાછળથી સ્કૂટર પર આવેલા શખ્સે સતામણી કરી
Rajkot,તા.23
શહેરના ભક્તિનગર સર્કલ પાસે ગાયત્રીનગર મેઇન રોડ પર જલારામ ચોક નજીક ચાલીને જઈ રહેલી યુવતીનો પીછો કરી પાછળથી સ્કૂટરમાં આવી રહેલા શખસે આ યુવતીનો હાથ પકડવાની કોશિશ કરી છેડતી કરી હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં આ ગંભીર ઘટનાને લઇ ભક્તિનગર પોલીસ મથકના સ્ટાફ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચની ટીમ આ સીસીટીવી ફૂટેજના આધારે સરાજાહેર યુવતીની છેડતી કરનાર આ શખસને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર આજરોજ સોશિયલ મીડિયામાં એક શરમજનક વિડીયો વાયરલ થયો છે. જેમાં પગપાળા જઈ રહેલી કોલેજીયન યુવતીની સરાજાહેર છેડતી કરવામાં આવી છે. વાયરલ થયેલા આ વીડિયોમાં સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે કે, યુવતી રોડ પર ચાલીને જતી હતી. ત્યારે પાછળથી તેનો પીછો કરી રહ્યો હતો બાદમાં તેણે પોતાનું સ્કૂટર ધીમું કરી યુવતીની પાસે પહોંચતા તેનો હાથ પકડી છેડતી કરી હતી. બનાવથી ગભરાઈ ગયેલી યુવતીને જોઈ શખ્સ સ્કૂટર લઈને નાસી ગયો હતો. આ ઘટના અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ ચકચાર મચી જવા પામી છે.
યુવતી પગપાળા જતી હતી દરમિયાન ઓચિંતા જ આ શખસે તેના પર આ પ્રકારે જાતીય હુમલો કર્યો હતો જે હુમલાબાદ કોલેજીયન યુવતી ડઘાઇ ગઈ હતી.
આ ગંભીર ઘટનાને લઇ ભક્તિનગર પોલીસ મથકના સ્ટાફે વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ ગંભીર ઘટનાને ધ્યાને લઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પણ તપાસમાં ઝંપલાવ્યું છે. સીસીટીવીમાં નજરે પડતા આ શખસને શોધી કાઢવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.