વિડીયોમાં દેખાતું હથિયાર રમકડાની હોવાનું ખુલ્યું : એસઓજી ટીમે અટકાયતમાં લઇ માફી મંગાવી
Rajkot,તા.23
શહેરમાં યુવાનોથી સોશિયલ મીડિયા રીલ્સ બનાવવાની ઘેલછામાં ઘણીવાર અતિરેક થઈ જતો હોય છે. ત્યારે આવો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં ક્ષત્રિય અસ્મિતા આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર પદ્મિનીબા વાળાના પુત્રએ નેફામાં બંદૂક લટકાવી સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો હતો. જે વિડિયો વાયરલ થયા બાદ એસઓજી ટીમે તાત્કાલિક સત્યજીતસિંહ વાળાને અટકાયતમાં લઈ તપાસ શરૂ કરતા વીડિયોમાં દેખાતી બંદૂક રમકડાની હોવાનું ખોલવા પામ્યું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર ક્ષત્રિય અસ્મિતા આંદોલનમાં સક્રિય ભાગ ભજવનાર પદ્મિનીબા વાળાના પુત્ર સત્યજીત વાળાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ ઝડપથી વાયરલ થયો હતો. જે વીડિયોમાં સત્યજીત વાળા પોતે એક રાસોત્સવમાં હાજરી આપવા જતો હોય અને તેના નેફામાં એક રિવોલ્વર જેવું હથિયાર લટકતું હોય તેવું વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાતું હતું. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવતો વિડીયો વાયરલ થતાં શહેર પોલીસની ટીમો દોડતી થઈ હતી.
બનાવને પગલે એસઓજી પીઆઈ એસ એમ જાડેજાની ટીમ હરકતમાં આવી હતી અને ગણતરીની કલાકોમાં જ પદ્મિનીબા વાળાના પુતે સત્યજીત વાળા(ઉવ 18)ને અટકાયતમાં લઈ પૂછપરછનો ધમધમાટ શરૂ કર્યો હતો. દરમિયાન પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સત્યજીત વાળાએ નેફામાં લટકાવેલી બંદૂક રમકડાની હોવાનું ખુલવા પામ્યું હતું. જેથી એસઓજી ટીમે સત્યજીત વાળા પાસે માફીનો વિડીયો બનાવડાવ્યો હતો અને બાદમાં તેને જવા દેવાયો હતો.