Jasdan તા.24
વિંછીયાના ઢેઢુકી ગામે રહેતા પ્રૌઢ અને તેના પત્ની તથા પુત્ર- પુત્રવધુ પર ગામમાં રહેતા પિતા-પુત્રોએ પાઇપ વડે હુમલો કરી ચારેયને ઇજા પહોંચાડી હતી. પ્રૌઢ ઘર પાસે ગોડાઉન બનાવતા હોય આરોપીઓએ આ જમીન અમારી છે કહી આ હુમલો કર્યો હતો. જે અંગે વિંછીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી છે.
બનાવ અંગે વિંછીયાના ઢેઢુકી ગામે રહેતા હીરાભાઈ મેરાભાઈ જમોડ (ઉ.વ-57) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના જ ગામમાં રહેતા રમેશ વીઠલ જમોડ, નયરાજ રમેશ જમોડ અને વીગ્નેશ ઉર્ફે વીગો રમેશ જમોડના નામ આપતાં પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રાત્રીના આઠેક વાગ્યે તે તથા તેના પરિવારના સભ્યો જમીને ઘરે બેઠા હતાં. ત્યારે બાઇક પર આરોપીઓ હથીયાર સાથે ધસી આવ્યા હતાં. આરોપી રમેશે ફરિયાદીને કહ્યું હતું કે, તમે જે ગોડાઉન બનાવો છો તે મારી જગ્યા છે તેમ કહી ઉશ્કેરાઈ જઈ ગાળો આપી પીઠના ભાગમા લોંખડના પાઈપ વડે માર મારવા લાગ્યો હતો.
ત્યારે ફરિયાદીના પત્ની જમનાબેન તથા દીકરો જયસુખ વચ્ચે પડતા રમેશ તથા તેની સાથે આવેલા તેના બન્ને દીકરાઓ ફરિયાદી તથા તેના પત્ની-પુત્ર તથા પુત્રવધુ રાધુબેનને પણ આ ત્રણેય જણા મારવા લાગ્યા હતા અને ગાળો આપતા હતા તેમજ આરોપીએ કહ્યું હતું કે, હવે અહીં ગોડાઉન બનાવશો તો તમને બધાને જાનથી મારી નાખીશુ. આ હુમલામાં ફરિયાદી હિરાભાઇ તેમજ તેના પત્ની અને પુત્ર-પુત્રવધુને ઇજા પહોંચી હોય તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.
ફરિયાદમાં બનાવના કારણ અંગે હિરાભાઇએ જણાવ્યું હતું કે,તે ઘર પાસે ગોડાઉન બનાવતા હોય અને આરોપીઓ આ જગ્યા પોતાની હોવાનુ કહી પ્રૌઢ અને તેમના પરિવાર પર હુમલો કર્યો હતો. જે અંગે વિંછીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.