Jamkandorana તા.24
જામકંડોરણાના સનાળા ગામે ઉકરડો હટાવવા મામલે સરપંચે માલધારી પ્રૌઢને ફડાકો મારી લીધાનો બનાવ સામે આવ્યો છે. ઉકરડો ઉપાડી લેજે નહીંતર તને ખોઈ નાખવો પડશે કહી ધમકી આપનાર સરપંચ સહીત બે શખ્સો વિરુદ્ધ જામકંડોરણા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે જામકંડોરણાના સનાળા ગામે રહેતા 57 વર્ષીય પશુપાલક રમેશભાઈ ખેંગાભાઇ શિયાળે નોંધાવેલી ફરિયાદમાં સનાળા ગામના જ વતની પ્રવીણ ગોવા શેખવા અને ગોગન ખોડા શેખવાનું નામ આપી જણાવ્યું હતું કે, ગઈ તા.21 ના સવારના આઠ વાગ્યે તેઓ પરીવાર સાથે ઘરે હતા.
તે વખતે બે વર્ષીય પૌત્રને લઈને ગામની બારોબાર વાડો આવેલ હોય ત્યાં જતો હતો તે વખતે તેઓને બીડીનું બંધાણ હોય, જેથી પાવન પાન નામની દુકાને બીડી લેવા ગયેલ હતો.
તેઓએ દુકાનેથી એક જુડી બીડી લીધેલ અને આ વખતે ગામના સરપંચ પ્રવીણ શેખવા તથા ગોગન શેખવા ત્યાં આવેલ અને તેમણે દુકાનેથી ફાકી લીધેલ હતી. દરમિયાન સરપંચ પ્રવીણ શેખવાએ કહેલ કે, પંચાયતની ઓરડીના રાંગ પાસે ઉકરડો છે તે ઉકરડો ઉઠાવી લેજે. જેથી તેને કહેલ કે, ભાઈ મારે અત્યારે ટાઇમ નથી અને તમે મને જયારે હોય ત્યારે ઉકરડો જ ઉપડવો છો, તેમ કહેતા જ સરપંચે એક ફડાકો ઝીંકી દિધેલ હતો. જેના લીધે બોલાચાલી થયેલ હતી.
દરમિયાન ફરીયાદીના પૌત્રને ધક્કો લાગી જતાં તે પડી ગયેલ હતો. જેથી તેમનો દીકરો ભરત દુકાનમાંથી બહાર આવી પ્રવીણ શેખવા સાથે ઝપાઝપી કરવા લાગતા ગોગન શેખવા પણ માથાકૂટ કરવા લાગ્યો હતો. વધુમાં ફરિયાદીએ જણાવેલ હતું કે, આ સમયે તેઓનો ભાઈ લાલજીભાઇ શિયાળ ઢોર લઇને આવેલ હોય સરપંચ તેની સાથે પણ ઝઘડો કરવા લાગેલ હતો અને બંનેને ગાળો આપવા લાગેલ હતો. દરમિયાન મહિલાઓ એકત્રિત થઈ જતાં બંને બાઈક લઈને નાસી ગયા હતા. જતાં જતાં ઉકરડો ફેરવી નાખજે નહીંતર ખોઈ નાખવો પડશે તેમ ધમકી આપી હતી.
બાદમાં પ્રૌઢ અને તેમના બે વર્ષીય પૌત્રને ઈજા પહોંચતા બંનેને સારવાર અર્થે પ્રથમ જામકંડોરણા સરકારી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે જૂનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે પ્રૌઢની ફરિયાદ પરથી જામ કંડોરણા પોલીસે ગુનો નોંધી સરપંચ સહીતની શોધખોળ શરૂ કરી હતી.