Gandhinagar, તા. 25
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ તોળાઇ રહી છે તે સમયે રાજય સરકારે અચાનક જ 17 નવા તાલુકાઓની રચના કરવાનો અને ચૂંટણી પૂર્વે જ નવા સીમાંકનનો અમલ કરીને આ નવા તાલુકાઓને સ્થાનિક સ્તરે શાસન આપવાનો જે નિર્ણય કર્યો છે તેની પાછળ આ વિસ્તારોના 11 જેટલા જિલ્લાઓનું રાજકારણ તથા વહીવટી બંને કારણો જવાબદાર હોવાનું વધુ માનવામાં આવે છે.
સરકારે જે રીતે બનાસકાંઠા ઉપરાંત દાહોદ, અરવલ્લી, સુરત તથા ખેડા, મહિસાગર, પંચમહાલ, નર્મદા, વલસાડ, છોટાઉદેપુર, તાપીને અસર કરે તે રીતે આ રીતે ફેરફાર કર્યા છે. વાસ્તવમાં સરકારે અગાઉ વાવ અને થરાદને જિલ્લો બનાવવા માટે જે જાહેરાત કરી હતી તે સમયે જ બનાસકાંઠા જિલ્લામાંથી તે અંગે પ્રશ્ન ઉઠયા હતા અને વિરોધ પણ શરૂ થયો હતો.
સરકાર જોકે આ ફેરફારને એવું ગણાવે છે કે, વહીવટી સુગમતા માટે અને સ્થાનિક લોકોની માંગને સંતોષવા માટે આ ફેરફારો થયા છે. અગાઉ સરકારે 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજજો આપ્યો હતો અને આ વર્ષના અંતે યોજાનારી ચૂંટણીઓમાં આ 9 મહાનગરપાલિકાઓની ચૂંટણી પણ યોજાશે.
રાજય સરકારે આ વર્ષે જ વાવ, થરાદને બનાસકાંઠામાંથી અલગ કરીને જિલ્લો બનાવવાની જાહેરાત કરી. જોકે તે સમયે અમદાવાદથી વિરમગામ ઉપરાંત મહેસાણા, ગાંધીનગરમાંથી અલગ વડનગર જિલ્લો બનાવવાની માંગ હતી. તે સંતોષાય નથી પરંતુ બુધવારના કેબીનેટના નિર્ણયમાં ફકત બનાસકાંઠાની જે રાજકીય વિરોધ સર્જાયો હતો.
તેને સંતોષવાની સાથે અન્ય જિલ્લાઓના વહીવટી નિર્ણયો પણ લેવાઇ ગયા અથવા સરકારે તક ઝડપી લીધી પરંતુ સૌરાષ્ટ્રમાં લાંબા સમયથી નવા જિલ્લા રચાયા બાદ તાલુકા કક્ષાએ ફેરફારો માટે ઘણા સમયથી માંગ હતી. તેને સંતોષાય નથી સરકાર હવે આ નવા રચાયેલા તાલુકામાં નવા સીમાંકન અને નવી ચૂંટણીઓ પૂર્વે તેનો અમલ કરવાનો પ્રયત્ન કરે તો નવેમ્બર-ડિસેમ્બરમાં દેખાતી ચૂંટણીમાં વિલંબ થઇ શકે છે.
જોકે તેના માટે ચૂંટણી પંચ કયારે સક્રિય થાય છે તે પ્રશ્ન છે. પરંતુ વાવ-થરાદને અલગ જિલ્લો આપવાનો જે નિર્ણય હતો તે અટકયો હતો અને હવે તે પણ આગળ વધશે. આમ ગુજરાતમાં 34 જિલ્લાઓ વાસ્તવિકતા બની જશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આ ફેરફાર મહત્વનો બની શકે છે.
અગાઉ બનાસકાંઠામાં લોકસભા ચૂંટણીમાં ભાજપને જે રીતે પરાજય મળ્યો અને મિશન-26 સંપૂર્ણ થઇ ન શકી તે પછી સરકાર આ વિસ્તારમાં વધુ ધ્યાન આપે છે અને ગુજરાતમાં 2027ની વસ્તી ગણતરી સાથે નવા સીમાંકનની પણ તૈયારી છે. તે સમયે આ ફેરફાર મહત્વનું બની રહેશે.