Gandhinagar, તા.25
નવરાત્રીના પાવન પર્વમાં ગુજરાતમાં ફરી શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો હોય તેમ ગાંધીનગરના દેહ ગામનાં બરીયલમાં તોફાનો-હિંસા થયા હતા સોશ્યલ મિડિયામાં સ્ટેટસ મુદ્દે મામલો બીચકતા બે જુથનાં ટોળા સામસામા આવી ગયા હતા. ગરબામાં પથ્થરમારો થતા કેટલીક મહિલા ઘાયલ થઈ હતી. દુકાનો-વાહનોમાં તોડફોડ-આગ ચાંપી દેવામાં આવી હતી. પોલીસ પર પણ હુમલો થતાં ટીયરગેસનાં સેલ છોડવામાં આવ્યા હતા.
ગાંધીનગરનાં બરીયલ ગામમાં ગઈરાત્રે નવરાત્રીનાં ત્રીજા નોરતે સોશ્યલ મિડિયા સ્ટેટસથી વિવાદ થયો હતો અને એક ટોળાએ ઘસી આવીને ઓચિંતો પથ્થરમારો શરૂ કરી દીધો હતો. ગરબાને નિશાન બનાવીને પથ્થરમારો કરાયો હતો. ગરબા ચાલુ હતા ત્યારે જ ટોળાએ ત્રણ બાજુએથી પથ્થરમારો શરૂ કરી દીધો હતી.
25 જેટલી કાર-વાહનોને નુકશાન થયુ હતું.ટોળાએ દુકાનોના શર્ટર તોડીને આગચંપી કરી દીધી હતી. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘસી ગયો હતો ત્યારે ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો શરૂ કરી દીધો હતો ઉપરાંત પોલીસ વાનમાં તોડફોડ શરૂ કરી દીધી હતી.
ટોળાને વિખેરવા તથા પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસ દ્વારા ટીયરગેસના પાંચ સેલ છોડવામાં આવ્યા હતા.ગામમાં અચાનક હિંસક ઘટનાક્રમોને પગલે પોલીસ વડા સહીતના અધિકારીઓ પહોંચી ગયા હતા. વધારાનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો.તોફાનો-હિંસામાં સામેલ શખ્સોની ઓળખ મેળવીને આકરી કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
બરીયલ ગામમાં ચાલુ ગરબાએ હિંસા-તોફાનોને પગલે ભયનો માહોલ સર્જાયો હતો. પોલીસે મોડી રાત્રે પરિસ્થિતિ કાબુમાં લીધી હોવા છતા હજુ અજંપાભરી સ્થિતિ ગણાવાય રહી છે.
નવરાત્રીનાં પવિત્ર દિવસોમાં જ પાટનગરના ગામમાં હિંસા-તોફાનોને પગલે રાજય સરકાર પણ સાબદી થઈ ગઈ છે.હાલત તાત્કાલીક કાબુમાં આવે અને ફરીથી શાંતિ સ્થપાવા સાથે પરિસ્થિતિ નોર્મલ બને તે માટે તાત્કાલીક પગલા લેવાની સુચના આપવામા આવી હતી. ઉપરાંત શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરનારા તત્વો-ટોળાને પકડવાની તાકીદ કરવામાં આવી હતી.