Gandhinagar ,તા.25
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી હતી. જેમાં ગાંધીનગર લોકસભામાં વરસાદી પાણી ભરાવા, ગટર, રોડ-રસ્તા સહિતની સમસ્યાઓના કાયમી ઉકેલ માટેના એક્શન પ્લાનની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં અમદાવાદના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ, મુખ્ય સચિવ પંકજ જોશી, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ તેમજ અમદાવાદ અને ગાંધીનગરના કલેક્ટર અને કમિશનરો સહિત વિવિધ વિભાગના વડા બેઠકમાં હાજર રહ્યા હતા.
આ બેઠકમાં અગાઉ અપાયેલી સૂચનાઓના આધારે તૈયાર કરેલ એક્શન પ્લાનની પ્રેઝન્ટેશનના માધ્યમથી સમીક્ષા કરી ભવિષ્યમાં નાગરિકોને આ તમામ સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમજ બાવળા, સાણંદ અને કલોલ વિસ્તારની વરસાદી પાણી ભરાવવાની સમસ્યાના ઉકેલ માટે રજૂ થયેલા ટૂંકાગાળાના ઉપાયો પર સંબંધિત તમામ સરકારી વિભાગોએ સંકલન કરી અમલ કરવા સૂચન અપાયા હતા.
સમગ્ર મામલે હવે આગામી ચોમાસા ઋતુ પહેલા પૂર્ણ કરવા સૂચન કર્યું અને વરસાદી પાણી ભરાવવાની સમસ્યાના કાયમી નિકાલ માટેની યોજના અંગે પણ સૂચન કરવામાં આવ્યા હતા. આ એક્શન પ્લાનના અમલ બાદ, અમદાવાદ આસપાસના વિસ્તારો, બોપલ, શીલજ, ઘુમા, થલતેજ, વણજર, ગોતા, ચાંદલોડિયા, સરખેજ, સોલા તેમજ કલોલ, બાવળા અને સાણંદમાં પાણી ભરાવાની સમસ્યામાંથી નાગરિકોને મુક્તિ મળે તે દિશામાં પગલાં લેવા પણ સૂચન કરવામાં આવ્યા હતા.