ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લાના વહીવટી સરળતા માટે તેના વિભાજનની લાંબા સમયથી ચાલી રહેલી માંગણીને સ્વીકારી લીધી છે અને આ અંગેનું સત્તાવાર નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. આ નોટિફિકેશન મુજબ, હવેથી બનાસકાંઠા અને વાવ-થરાદ એમ બે અલગ જિલ્લા અસ્તિત્વમાં આવશે. નવા જિલ્લાઓની રચનાથી નાગરિકોને સરકારી સેવાઓ વધુ સરળતાથી અને ઝડપથી મળી રહેશે.
વિભાજન બાદ બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર જ રહેશે. આ નવા બનાસકાંઠા જિલ્લામાં કુલ 10 તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં નવા રચાયેલા હડાદ અને ઓગડ તાલુકાનો પણ સમાવેશ થાય છે. બનાસકાંઠામાં પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ, ડીસા, કાંકરેજ, ધાનેરા, દાંતીવાડા, ઓગડ અને હડાદ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
બનાસકાંઠામાંથી અલગ પડીને બનેલા નવા વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રહેશે. આ નવા જિલ્લામાં કુલ 8 તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વાવ-થરાદ જિલ્લામાં વાવ, થરાદ, સુઈગામ, દિયોદર, ભાભર, લાખણી, રાહ અને ધરણીધર તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવવાથી લોકોને સરકારી કામો માટે દૂર સુધી જવું નહીં પડે, જેના પરિણામે સમય અને શક્તિનો બચાવ થશે. આ નિર્ણયથી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નવા રચાયેલા તાલુકાઓનો સમાવેશ થઈ શકે છે. આ પગલાને સરકાર દ્વારા લોકોની વર્ષો જૂની માંગણીઓ સંતોષવા અને વહીવટી સુધારાઓ લાવવાના એક પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.