Bhavnagar તા.25
કોલકાતા શહેરમાં 1976 પછી ગઈકાલે એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 260 મીમી વરસાદ નોંધાયો છે જેને કારણે સમગ્ર શહેર સરોવરમાં ફેરવાયું હતું. અતિ ભારે વરસાદને પગલે ચોવીસ પરગણા અને શહેરના માર્ગો નદીમાં ફેરવાઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ વરસાદ થયો તેને કારણે 10 લોકોનાં કરુણ મોત નિપજયા છે.
પૂજ્ય મોરારીબાપુએ મરુતકોને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તત્કાલ સહાય સ્વરુપે 1,50,000 ની રાશિ અર્પણ કરી છે જે ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ માં પહોંચાડવામાં આવશે.
આ સમયમાં મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થયો હતો અને તે દરમિયાન મળતી માહિતી મુજબ 8 લોકોનાં મોત નિપજયા છે. જેમનાં પરિવારજનોને 1,20,00ની સહાયતા રાશિ અર્પણ કરી છે. એ ઉપરાંત થોડા દિવસ પહેલાં પાલઘર વિસ્તારમાં એક મકાન ધરાશયી થઈ જતાં 21 લોકોનાં મોત નિપજયા હતા.
પૂજ્ય મોરારીબાપુએ આ લોકોને પણ શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા 3,15,000 ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા પહોંચાડી દેવામાં આવી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.