Gandhinagar,તા.૨૫
ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય અમિત ચાવડાએ ગુજરાતના વિકાસ મોડલ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ગુજરાતના સ્થાપના દિવસથી જ રાજ્ય વિકાસમાં અગ્રેસર રહ્યું હોવા છતાં, આજે પણ રાજ્ય પર કુપોષણનું લાંછન હોવાનો આક્રોશ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે ભાજપના છેલ્લા ત્રણ દાયકાના શાસનકાળ દરમિયાન કુપોષણની સમસ્યા યથાવત રહેવા બદલ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
ચાવડાએ જણાવ્યું હતું કે, કેગના અહેવાલમાં પણ ગુજરાતમાં કુપોષણની સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે આક્ષેપ કર્યો કે કહેવાતા ’મોદી મોડલ’ના ગુજરાતમાં પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ કુપોષણની સમસ્યા આજે પણ યથાવત છે. તેમના મતે, ભાજપના ત્રણ દાયકાના શાસન દરમિયાન ગુજરાત પર આ સૌથી મોટું લાંછન છે. આંકડા ટાંકીને તેમણે કહ્યું કે આખા દેશમાં કુપોષિત જિલ્લાઓની યાદીમાં કુલ ૧૦ પૈકી પાંચ જિલ્લા એકલા ગુજરાતના છે. ખાસ કરીને આદિવાસી જિલ્લાઓમાં કરોડો રૂપિયાના ખર્ચ છતાં કુપોષણનું ઊંચું પ્રમાણ જોવા મળે છે, જે સરકારી યોજનાઓની નિષ્ફળતા દર્શાવે છે.
અમિત ચાવડાએ કુપોષણ સામેની લડાઈના મુખ્ય કેન્દ્રો એવા આંગણવાડીઓની સ્થિતિ પર પણ ધ્યાન દોર્યું. તેમણે આરોપ લગાવ્યો કે ગુજરાતની વસ્તીના પ્રમાણમાં રાજ્ય પાસે પૂરતા આંગણવાડી કેન્દ્રો નથી. જે કેન્દ્રો છે, તેમાંથી અનેક ભાડાના મકાનમાં ચાલે છે અને ત્યાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. અનેક આંગણવાડી કેન્દ્રો જર્જરિત હાલતમાં છે જ્યાં લાઇટ, પાણી કે ટોઇલેટની વ્યવસ્થા પણ નથી. સરકાર ખરીદીઓમાં ભ્રષ્ટાચાર કરવામાં મસ્ત છે, જ્યારે આંગણવાડી જેવી આવશ્યક સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે. તેમણે કટાક્ષમાં કહ્યું કે, “ભાજપના મળતિયા અને અધિકારીઓ ક્યારેય કુપોષિત થતા નથી, કુપોષણનો ભોગ માત્ર ગરીબ અને સામાન્ય પ્રજા જ બને છે.”
ચાવડાએ આંગણવાડી કાર્યકરો (બહેનો)ના મુદ્દે પણ સરકારની આલોચના કરી. તેમણે કહ્યું કે જ્યારે **ભીડ ભેગી કરવાની** હોય કે અન્ય કામ હોય, ત્યારે સરકાર આંગણવાડીની બહેનોનો ઉપયોગ કરે છે, પરંતુ તેમના હિતની વાત આવે ત્યારે સરકાર ગંભીરતા દાખવતી નથી. તેમણે ઉમેર્યું કે, હાઇકોર્ટે આદેશ આપ્યો હોવા છતાં પણ સરકાર આંગણવાડી બહેનોને પૂરતો પગાર આપવામાં ગંભીર નથી, તેમને કાયમી કરવામાં આવતી નથી અને તેમનો પગાર પણ પૂરતો નથી.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમિત ચાવડાએ સરકાર સમક્ષ નીચે મુજબની તાત્કાલિક માંગણીઓ મૂકીઃ
૧. આંગણવાડી બહેનોને પૂરતો પગાર આપવામાં આવે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે.
૨. રાજ્યની વસ્તીના પ્રમાણમાં નવા આંગણવાડી કેન્દ્રો તાત્કાલિક બનાવવામાં આવે અને હાલના જર્જરિત કેન્દ્રોને સુવિધા યુક્ત બનાવવામાં આવે.
૩. ૨૦% બાળકો હજી પણ યોજનાનો લાભ લઇ શકતા નથી. સરકારે આ બાળકોનો સર્વે કરીને તેમને પોષણ યોજનાઓનો તાત્કાલિક લાભ મળે તે સુનિશ્ચિત કરવું જોઈએ.
ચાવડાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જો ગુજરાતને કુપોષણના લાંછનમાંથી મુક્ત કરવું હોય, તો સરકારે માત્ર વાતો કરવાને બદલે જમીની સ્તરે નક્કર કામગીરી કરવી પડશે.