Gandhinagar,તા.૨૫
ભારતીય જનતા પાર્ટીએ આગામી બિહાર વિધાનસભા ચૂંટણી માટે ગુજરાતના એક અગ્રણી નેતાને મહત્વની જવાબદારી સોંપી છે. ગુજરાત ભાજપના પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલને બિહાર ચૂંટણી માટે સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પાર્ટી દ્વારા દ્વારા સી.આર. પાટીલ અને ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યને બિહાર ચૂંટણીના સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ નિર્ણય ગુજરાતના એક નેતાને અન્ય રાજ્યની મહત્વપૂર્ણ ચૂંટણીમાં મોટી ભૂમિકા સોંપવા તરફ ઈશારો કરે છે.
સી.આર. પાટીલની સંગઠનાત્મક કુશળતા અને ચૂંટણી વ્યૂહરચનામાં તેમની માસ્ટરી જાણીતી છે. ગુજરાતમાં ભાજપને સતત સફળતા અપાવવા અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ ભરવાના તેમના રેકોર્ડને કારણે કેન્દ્રીય નેતૃત્વએ તેમના પર વિશ્વાસ મૂક્યો છે. બિહારમાં ચૂંટણી પ્રચારની રણનીતિ ઘડવા, સ્થાનિક નેતાઓ સાથે સંકલન સાધવા અને ચૂંટણીના મેનેજમેન્ટની જવાબદારીમાં તેઓ મુખ્ય પ્રભારીને મદદ કરશે.
ગુજરાતના નેતાઓ દેશભરની રાજનીતિમાં લાંબા સમયથી મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. સી.આર. પાટીલને બિહાર જેવા રાજકીય રીતે સંવેદનશીલ રાજ્યની જવાબદારી મળતા ભાજપમાં તેમનું કદ પણ વધ્યું છે. આ નિમણૂક દર્શાવે છે કે પાર્ટી તેમના સંગઠનાત્મક કૌશલ્યને રાષ્ટ્રીય સ્તરે ઉપયોગમાં લેવા માગે છે. બિહારની આ ચૂંટણી ભાજપ માટે ખૂબ જ મહત્વની છે, અને પાટીલની નિમણૂક બતાવે છે કે પાર્ટી અહીં કોઈપણ કસર છોડવા માંગતી નથી. બિહારમાં ગુજરાતી નેતાની એન્ટ્રીથી હવે ત્યાંના ચૂંટણી સમીકરણો પર સૌની નજર રહેશે.