Dubai, તા.26
ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપનો ખિતાબ મુકાબલો થવાનો છે. બંને ટીમો ટુર્નામેન્ટમાં બે મેચ રમી ચૂકી છે. બંને ટીમોએ એકબીજા સામે ICCને ફરિયાદ કરી. પાકિસ્તાને ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો.
સૂર્યાએ ગ્રુપ રાઉન્ડ મેચમાં પાકિસ્તાન પરની જીતને સશસ્ત્ર દળોની બહાદુરીને સમર્પિત કરી હતી. તેમણે કહ્યું કે, ટીમ પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોના પરિવારો સાથે ઉભી છે.
ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ ગુરૂવારે ICC મેચ રેફરી રિચી રિચાર્ડસન સમક્ષ હાજર થયા હતા. BCCIના CEO હેમાંગ અમીન અને ટીમના ક્રિકેટ ઓપરેશન્સ મેનેજર સુમિત મલ્લાપુરકર ભારતીય કેપ્ટન સાથે હાજર હતા.
સૂર્યાએ અહીં સ્પષ્ટપણે પોતાની નિર્દોષતા જાહેર કરી. મળતી મુજબ, સૂર્યાએ ICC સુનાવણી પેનલને કહ્યું કે, તે નિર્દોષ છે અને તેણે નિયમોની વિરૂદ્ધ કોઈ નિવેદન આપ્યું નથી. ICC આજે તેમના કેસ પર પોતાનો નિર્ણય આપશે.
સુપર ફોર મેચ દરમિયાન પાકિસ્તાની ઓપનર સાહિબજાદા ફરહાન અને ફાસ્ટ બોલર હરિસ રઉફ દ્વારા કરવામાં આવેલા હાવભાવ અંગે બીસીસીઆઈએ ફરિયાદ નોંધાવી છે. ફરહાને પોતાની ફિફ્ટી પૂર્ણ કર્યા પછી બંદૂકથી ઉજવણી કરી હતી, જ્યારે રઉફ એ બાઉન્ડ્રી પાસે પ્લેન ક્રેશનો ઈશારો કર્યો હતો, જે અંગે વિવાદ સર્જાયો હતો. આ મામલાની આજે સુનાવણી થશે. બંને ખેલાડીઓએ પાયક્રોફ્ટ સમક્ષ હાજર થવું પડશે.
એશિયા કપ 2025 ની ફાઇનલ ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાવાની છે. એપ્રિલમાં પહેલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓએ 26 નિર્દોષ લોકોની હત્યા કરી હતી. આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન પહેલી વાર એકબીજા સામે આવી રહ્યા છે.
ગ્રુપ સ્ટેજ મેચ દરમિયાન, સૂર્યકુમાર યાદવે પાકિસ્તાની કેપ્ટન સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો. મેચ પછી, ભારતીય ખેલાડીઓએ પણ પાકિસ્તાની ટીમ સાથે હાથ મિલાવવાનો ઇન્કાર કર્યો હતો. સુપર ફોર મેચમાં આવી જ ઘટના બની હતી.