Washington, તા.26
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સે એક અસામાન્ય અને ગોપનીય બેઠકની જાહેરાત કરી છે. ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથે દુનિયાભરના સેંકડો જનરલો અને એડમિરલોને આવતા અઠવાડિયે વર્જિનિયાના મરીન કોર્પ્સ બેઝ ક્વોન્ટિકો ખાતે ભેગા થવાનો આદેશ આપ્યો છે.
આ બેઠકનો હેતુ હજુ સુધી સ્પષ્ટ થયો નથી, જેના કારણે લશ્કરી વર્તુળોમાં મૂંઝવણ અને ચિંતા ફેલાઈ છે. પેન્ટાગોનના પ્રવક્તાએ ફક્ત એટલું જ કહ્યું છે કે, યુદ્ધ સચિવ આવતા અઠવાડિયાની શરૂઆતમાં તેમના વરિષ્ઠ લશ્કરી નેતાઓને સંબોધિત કરશે. અમેરિકા કોઈ દેશ પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે કે કેમ તે અંગે અટકળો ચાલી રહી છે.
અમેરિકાની સેનામાં આશરે 800 જનરલ અને એડમિરલ છે, જે અમેરિકા અને સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે. આટલા મોટા પાયે રૂબરૂ બેઠક બોલાવવી ખૂબ જ અસામાન્ય છે, કારણ કે આવી ચર્ચાઓ સામાન્ય રીતે સુરક્ષિત વીડિયો કોન્ફરન્સ દ્વારા થાય છે. નિષ્ણાતોના મતે, આવા મેળાવડાનું આયોજન લોજિસ્ટિકલ પડકારોથી હોય છે, ખાસ કરીને જ્યારે ઘણાં અધિકારીઓ વિદેશી મિશન પર તહેનાત હોય છે.
લશ્કરી વિશ્લેષકો માને છે કે આ બેઠક પાછળ ઘણાં સંભવિત કારણો હોઈ શકે છે મે મહિનામાં હેગસેથે ફોર-સ્ટાર જનરલોમાં 20% ઘટાડો અને તમામ જનરલ અને ફ્લેગ અધિકારીઓમાં 10% ઘટાડો કરવાનો આદેશ આપ્યો હતો. આ બેઠક એવા અધિકારીઓને મુક્ત કરવા અથવા જાણ કરવા માટે હોઈ શકે છે જેમને તેમના પદ પરથી દૂર કરવામાં આવશે.
ચાર વર્ષમાં એકવાર જાહેર થનારી નેશનલ ડિફેન્સ સ્ટ્રેટેજીનું અનાવરણ થઈ શકે છે, જેમાં આ વખતે અમેરિકી માતૃભૂમિના સંરક્ષણ પર વધુ ભાર મૂકવામાં આવશે.
આ બેઠક ટ્રમ્પ પ્રશાસન દ્વારા સૈન્ય નેતૃત્વ પર પુનર્વિચારણા અભિયાનની વચ્ચે આવી રહી છે. હેગસેથ દ્વારા આ વર્ષે ડઝનબંધ વરિષ્ઠ અધિકારીઓને બરતરફ કરવામાં આવ્યા છે, જેમાં ઘણી મહિલાઓ અને અશ્વેત અધિકારીઓનો સમાવેશ થાય છે.