પત્ની, બે પૂજારી અને દીકરાની હત્યા કર્યા બાદ આરોપી અરવિંદે પોતાના બચાવ માટે પોતાના જ બાળકોને રૂમમાં બંધ કરી દીધા હતા
Azamgarh, તા.૨૩
ઉત્તર પ્રદેશના આજમગઢ જિલ્લાના અહરોલા થાણા વિસ્તાર હેઠળ આવેલા શંભૂપુર ગામમાં મંગળવાર સાંજથી મોડી રાત સુધી એક અત્યંત ખોફનાક અને દર્દનાક ઘટનાક્રમ સામે આવ્યો છે. અરવિંદ સિંહ નામના એક માથાભારે શખ્સે પોતાની પત્ની, બે પૂજારી અને પોતાના જ બાળકની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ ભીષણ હત્યાકાંડ બાદ બાળકોને બંધક બનાવીને બેઠેલા આરોપીને બચાવવા અને બાળકોને સુરક્ષિત બહાર કાઢવા માટે પોલીસે કરેલી જવાબી કાર્યવાહી (એનકાઉન્ટર) માં આરોપી પણ ગંભીર રીતે ઘવાય બાદ મૃત્યુ પામ્યો હતો. આ સમગ્ર ઘટનામાં કુલ ૫ લોકોના મોત નીપજ્યા છે.
મળતી માહિતી મુજબ, અરવિંદ સિંહના ઘરે છેલ્લા કેટલાક દિવસોથી એક વિશેષ પૂજા ચાલી રહી હતી. મંગળવારે સાંજે ઘરમા પૂજા ચાલી રહી હતી ત્યારે અરવિંદ બજારમાંથી ઘરે પહોંચ્યો હતો. ઘરે પૂજારીઓને જોઈને તે અચાનક ઉશ્કેરાઈ ગયો હતો અને પૂજારીઓ પાસે ઓળખકાર્ડ માંગવા લાગ્યો હતો. આ બાબતે તેની પોતાની પત્ની બબીતા સાથે તીવ્ર ચડસાચડસી થઈ હતી. ઉશ્કેરાટમાં આવીને અરવિંદે પોતાની લાઇસન્સી પિસ્તોલથી અંધાધૂંધ ગોળીબાર કરી દીધો હતો, જેમાં તેની પત્ની બબીતા અને બે પૂજારીઓ – મહેન્દ્ર પાઠક અને અખિલેશ મિશ્રાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.ત્રણ લોકોની હત્યા કર્યા બાદ આરોપી અરવિંદે પોતાના બચાવ માટે પોતાના જ બાળકોને રૂમમાં બંધ કરી દીધા હતા અને અંદરથી દરવાજો બંધ કરી લીધો હતો.
ઘટનાની જાણ થતાં જ આજમગઢના એસએસપી ડો. અનિલ કુમાર સહિત ભારે પોલીસ કાફલો, એસઓજી અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે તેને આત્મસમર્પણ કરવા વારંવાર અપીલ કરી હતી, પરંતુ તે અંદરથી બાળકોને જાનથી મારી નાખવાની સતત ધમકીઓ આપી રહ્યો હતો.મોડી રાત્રે બંધ રૂમમાંથી ગોળી ચાલવાનો અવાજ આવતાં જ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. આરોપીએ અંદર પોતાના એક બાળકને ગોળી મારી દીધી હતી. બાળકોના રક્ષણ માટે પોલીસે તાત્કાલિક જવાબી ફાયરિંગ કર્યું હતું, જેમાં આરોપી અરવિંદ પણ ગોળી વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયો હતો.

