New Delhi, તા.26
સિનિયર સીટીઝન પેરેન્ટસના ભરણ-પોષણની જવાબદારી જો બાળકો નથી નિભાવતા તો એ સંતાનોને માતા-પિતાની સંપતિથી બહાર કરી શકાય છે. સુપ્રીમકોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું છે કે વરિષ્ઠ નાગરિકોના ભરણ-પોષણ તેમજ કલ્યાણ અધિનિયમ 2007 અંતર્ગત રચાયેલ ટ્રિબ્યુનલને સંપતિથી બહાર કરવાનો અધિકાર છે.
સુપ્રીમકોર્ટના જસ્ટીસ વિક્રમનાથની આગેવાની વાળી બેન્ચે 12 સપ્ટેમ્બરે આપેલ આદેશમાં 80 વર્ષીય સીનીયર સીટીઝન અને તેમની 78 વર્ષની પત્નીની અપીલ સ્વીકારીને બોમ્બે હાઈકોર્ટના એ આદેશને ફગાવી દીધો હતો, જેમાં તેમના મોટા પુત્રની સામે પસાર બેદખલી (સંપતિથી બહાર કરવું) આદેશને અમાન્ય ઠેરવવામાં આવ્યો હતો.
સીનીયર સીટીઝનની ફેવરમાં ટ્રિબ્યુનલે આદેશ આપ્યો હતો. તેમની સારસંભાળની જવાબદારી નહીં નિભાવવાના તેમના પુત્રને સંપતિથી બેદખલ કરવાનો આદેશ આપ્યો હતો પણ હાઈકોર્ટે તે બેદખલીના આદેશને અમાન્ય કર્યો તો મામલો સુપ્રીમકોર્ટમાં પહોંચ્યો. સુપ્રીમકોર્ટે હાઈકોર્ટના આદેશને ફગાવી દીધો છે.
સુપ્રીમ કોર્ટે જાણ્યું કે, મોટો પુત્ર (પ્રતિવાદી નંબર 3) જે મુંબઈમાં આર્થિક રીતે સક્ષમ છે અને વેપાર કરે છે, તેણે મુંબઈમાં પોતાના માતા-પિતાની બે સંપતિ પર કબજો કરી લીધો હતો અને જયારે માતા-પિતા ઉત્તરપ્રદેશ ગયા તો તેમને તેમની જ સંપતિઓમાં રહેવાની મંજુરી આપવાનો ઈન્કાર કરી દેવાયો.
અદાલતે કહ્યું કે, દીકરાએ પોતાના માતા-પિતાને સંપતિથી વંચિત કરીને કાયદેસરની જવાબદારીનો ભંગ કર્યો છે. કેસમાં અદાલતે પુત્રને 30 નવેમ્બર 2025 સુધીમાં પ્રોપર્ટી ખાલી કરવાનું સોગંદનામુ આપવા માટે બે સપ્તાહનો સમય આપ્યો છે.
સુપ્રીમકોર્ટે કહ્યું કે, આ કાયદો વરિષ્ઠ નાગરિકોની દુર્દશાને દુર કરવા, તેમની સારસંભાળ અને સુરક્ષા નિશ્ચિત કરવાના ઉદેશથી બનાવાયો છે.