Rajkot,તા.26
ભાવનગર રોડ પર જાહેરમાં ગાળો બોલતા શખ્સને ટપારવા ગયેલા ઇમિટેશનના ધંધાર્થી પર હુમલાની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સને ગાળો નહિ બોલવાનું કહેતા તેણે બેફામ ગાળો આપી પથ્થરનો ઘા માથાના ભાગે ઝીંકી દેતા વેપારી લોહીલુહાણ થઈ ગયા હતા. બનાવને પગલે બી.ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે ભાવનગર રોડ પર આરએમસી ઇસ્ટ ઝોન ઓફિસ સામે સિલ્વર નેસ્ટ શેરી નં.2 માં રહેતા 49 વર્ષીય ઇમિટેશનના ધંધાર્થી ગોવિંદભાઇ રામજીભાઈ સોલંકીએ બી.ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભગીરથ સોસાયટીમાં રહેતા વશરામ સિંધવનું નામ આપી જણાવ્યું હતું કે, તે અને તેમનો ભાઈ પંકજ બન્ને રણછોડનગર શેરી નં.-03 ગોકળ નંદાની શેરી ખાતે ભાડે જગ્યા રાખી એ-વન જવેલર્સ નામે ઇમીટેશનનો વેપાર કરે છે.
વધુમાં વેપારીએ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજના ચાર વાગ્યા આસપાસ તેઓ અને તેમનો નાનો ભાઈ પંકજભાઇ તેમજ દુકાનનો સ્ટાફ દુકાન પર હાજર હતા. તે સમયે એક અજાણ્યો શખ્સ દુકાનની બહાર શેરીમા ગાળો બોલતો હતો.
જેથી તેને ગાળો બોલવાની ના પાડતા અજાણ્યો શખ્સ ઉશ્કેરાઈ જઈ તેની પાસે રહેલ છરી જેવુ હથીયાર બતાવી બેફામ ગાળો આપી કહેવા લાગેલ કે, હુ તને જાનથી મારી નાખીશ. બાદ દુકાનમાથી બહાર બોલાવી માથાના ભાગે પથ્થરનો ઘા ઝીંકી દેતાં લોહી નિકળવા લાગેલ હતું. બાદ તુરંત જ નાનો ભાઈ પંકજ આવી ગયેલ અને પોલીસને ફોન કરી દેતા પોલીસની જનરક્ષક પીસીઆર પણ દોડી આવેલ હતી.
બાદમાં અજાણ્યા હુમલાખોરને વાનમાં બેસાડી પોલીસ મથકે લઇ જવાયો હતો. જયારે તેઓ 108 એમ્બયુલન્સ મારફતે સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં દાખલ થયો હતો. બાદમાં હુમલો કરનાર શખ્સનું નામ વસરામભાઈ સિંધવ હોવાનું ધ્યાને આવતા ઇમિટેશનના વેપારીએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.