Jamnagar, તા. 26
દ્વારકા તાલુકાના ધ્રાસણવેલ ગામે રહેતો સાંગા હીરા ખાંભલા નામનો શખ્સ રૂ. 2,90,000 ની રકમ ચૂકવવામાં નિષ્ફળ જતાં તેની સામે ખંભાળિયાની કોર્ટમાં નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ હેઠળ કરવામાં આવેલી ફરિયાદમાં નામદાર અદાલતે તેને એક વર્ષની સાદી કેદની સજા તથા રૂ. 3,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો હતો અને આરોપીનું સજાનું વોરંટ દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે ઇસ્યુ કરવામાં આવ્યું હતું.
જેના અનુસંધાને આ આરોપી શખ્સ કેદની સજાથી બચવા માટે નાસતો ફરતો હોય, આ શખ્સને એસ.ઓ.જી. વિભાગના અશોકભાઈ સવાણી, હરદાસભાઈ મોવર અને પ્રકાશકુમાર દવેની બાતમીના આધારે દ્વારકાના ગોમતીઘાટ પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો.
ત્યાર બાદ આગળની કાર્યવાહી માટે આરોપીનો કબજો દ્વારકા પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. ના ઈન્ચાર્જ પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ પી.એસ.આઈ. કે.એમ. જાડેજાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.