New Delhi,તા.26
સુપ્રીમ કોર્ટે આજે દિલ્હી-એનસીઆરમાં ફટાકડા પર પ્રતિબંધના મુદ્દે મહત્ત્વની ટિપ્પણી કરતાં કહ્યું કે, ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો શક્ય નથી. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે, ‘આ મામલામાં સંતુલિત અભિગમ અપનાવવાની જરૂર છે.’ આ સાથે જ કોર્ટે ચેતવણી આપતા કહ્યું કે, ‘પ્રતિબંધ પછી સક્રિય થતા માફિયાઓથી પણ સાવધાન રહેવું પડશે. જો ફટાકડા ઉત્પાદકોને કામ કરવાનો અધિકાર છે, તો નાગરિકોને પણ સ્વચ્છ હવા લેવાનો અધિકાર છે.
ચીફ જસ્ટિસ બી આર ગવઈએ NEERI અને PESO દ્વારા ગ્રીન ફટાકડા માટે પરમિટ મેળવનાર ઉત્પાદકોને ફટાકડા બનાવવાની મંજૂરી આપી. જોકે, કોર્ટે તેમને લેખિત બાંયધરી આપવા જણાવ્યું કે આગામી સુનાવણીની તારીખ સુધી તેઓ દિલ્હી-NCR વિસ્તારમાં વેચાણ નહીં કરે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, ‘કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે, બિહારમાં ખાણકામ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા છતાં તે લાગુ થઈ શક્યો નહોતો અને તેના કારણે અવૈધ ખાણકામ કરતા માફિયાઓને પ્રોત્સાહન મળ્યું. આ ઉદાહરણ આપીને કોર્ટે કહ્યું કે સંપૂર્ણ પ્રતિબંધ લાગુ થઈ શકતો નથી, તેથી આ મામલામાં સંતુલિત દૃષ્ટિકોણ જરૂરી છે.’
સુનાવણી દરમિયાન, કોર્ટે ભારપૂર્વક કહ્યું કે આ બાબતનું કોઈ નિરાકરણ તો આવવું જ જોઈએ. સર્વોચ્ચ અદાલતે ચેતવણી આપી કે, અત્યંત કડક આદેશો વધુ સમસ્યાઓ ઊભી કરશે. આથી આ વિષયને લઈને આપણે સોશિયલ મીડિયા પર પણ નિવેદનો કરતી વખતે સાવધાની રાખવાની જરૂર છે. આ કેસની આગામી સુનાવણી 8 ઓક્ટોબરના રોજ નિર્ધારિત કરવામાં આવી છે.કોર્ટે મજૂરોના પક્ષમાં કહ્યું કે, ‘દેશભરના મજૂરો મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. જો વળતર આપવાનો આદેશ પણ અપાય, તો એવી દલીલો થાય છે કે વળતર નહીં આપવામાં આવે. આથી, તેમને ફટાકડા બનાવવાની મંજૂરી આપો, પરંતુ આગામી આદેશ ન આવે ત્યાં સુધી NCRમાં તેનું વેચાણ ન થવા દો.’