Gandhinagar.તા.૨૭
ગાંધીનગરના રૂપાલ ગામમાં પાંડવ કાળથી શરૂ થયેલી વરદાયિની માતાની પલ્લીની પરંપરા આજે પણ જીવંત છે. દર વર્ષે નવમાં નોરતે વરદાયિની માતાજીની પલ્લી ભરાય છે. જેમાં, લાખોની મેદની આ પલ્લીના દર્શન કરવા આવે છે. માતાની પલ્લી મંદિરથી ગામના ૨૭ ચોકમાંથી પસાર થાય છે. આ દરમિયાન પલ્લી પર લાખો લિટર ઘીનો અભિષેક કરવામાં આવે છે. જાણે ગામના ચોરે ચોરે ઘીની નદીઓ વહેતી હોય તેવો નજારો જોવા મળે છે. આ વર્ષે એટલે કે હાલ ચલતા નવરાત્રી પર્વમાં ૩૦ સપ્ટેમ્બરના રોજ યોજવાની છે.
આગામી ૩૦મી સપ્ટેમ્બર એટલે કે નવમા નોરતે રાત્રે ૧૨ વાગે રૂપાલ ગામમાં પલ્લી યોજવાની છે. જે આયોજન પૂર્વે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી રૂપાલ ગામે પહોંચ્યા હતા. તેઓએ રૂપાલ ગામમાં વરદાયીની માતાના દર્શન પણ કર્યા હતા. તેમજ રૂપાલ મંદીર ટ્રસ્ટ તથા જિલ્લા કલેક્ટર સાથે મિટિંગ પણ રૂપાલ ગામની પલ્લી અંગે યોજી હતી.
આ પલ્લી બાબતે રૂપાલ વરદાયિની માટેના મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી પલ્લી અંગેના આયોજન અંગે જણાવ્યું હતું કે, દર વર્ષે ૨૦ કરોડથી વધુ રૂપિયાનું ઘી માતાની પલ્લી પર ચઢાવવામાં આવે છે. પલ્લીમાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. પલ્લીમાં ચઢાવવામાં આવનાર ઘી ટ્રેક્ટરની ટ્રોલીમાં ભરવામાં આવે છે. આ બાદ જ્યારે આ પલ્લી નીકળે છે, ત્યારે તેના પર ચઢાવવામાં આવે છે.
વધુમાં રૂપાલની પલ્લીમાં ૨૫ જેટલી સંસ્થાઓ સેવા આપી રહી છે. જેમાં હજારો સ્વયં સેવકો પોતાની રીતે કામ કરી રહ્યા છે. નોંધનીય છે કે, આ પલ્લીમાં રૂપાલ ગામના લોકો દ્વારા પલ્લી પર ઘી ચઢાવવામાં આવતું નથી, પરંતુ બહારથી આવતા ભક્તો દ્વારા ઘી ચઢાવવામાં આવે છે. પલ્લીની શરૂઆત થાય ત્યારથી જ તેના પર ઘી ચઢાવવાની શરૂઆત થઈ જાય છે. પલ્લી પૂરી થઈ ગયા બાદ આ ઘી આસપાસના ગરીબ લોકો ભરી જાય છે. આ વર્ષે ૩૦ મી રોજ યોજવાની છે. ત્યારે વરસાદની આગાહીના કારણે ખાસ ડોમની પણ વ્યવસ્થા કરી હોવાનું જણાવ્યું હતું.

