Dubai તા.29
એશિયાકપના ફાઈનલમાં પણ ભારતે પાકિસ્તાનને ધુળ ચાટતુ કરી દીધા બાદ મેદાન પર અંદાજીત બે કલાક હાઈડ્રામા ચાલ્યો હતો અને તનાવપૂર્ણ ઘટનાક્રમ સર્જાયો હતો. એશિયન ક્રિકેટ કાઉન્સીલના ચેરમેન એવા પાકિસ્તાનના પ્રધાન મોહસીન નકવીના હાથે ટ્રોફી સ્વીકારવાનો ભારતીય ખેલાડીઓએ ઈન્કાર કરી દીધા બાદ તેઓ ટ્રોફી અને વ્યક્તિગત મેડલો લઈને હોટલ પહોંચી ગયા હતા તેની સામે ભારતીય ક્રિકેટ બોર્ડે વાંધો પણ ઉઠાવ્યો છે.
દુબઈમાં રમાયેલા એશિયાકપના રોમાંચક ફાઈનલ જંગમાં તિલક વર્માએ બાજી પલટાવીને છેલ્લી ઓવરમાં ભારતને જીત અપાવી હતી. ભારતીય કેમ્પમાં જશ્નનો માહોલ છવાયો હતો. પાક ખેલાડીઓના મોઢા પડી ગયા હતા અને સીધા ડ્રેસીંગરૂમમાં પહોંચી ગયા હતા. પ્રેઝન્ટેશન સેરેમની માટે ફરી મેદાન પર આવવામાં પણ ઘણુ મોડુ કર્યુ હતુ. આ દરમ્યાન ભારતીય ખેલાડીઓ જશ્ન મનાવતા રહ્યા હતા.
પ્રેઝન્ટેશન સેરેમનીમાં એશિયન ક્રિકેટ કાઉન્સીલના ચેરમેન એવા પાકિસ્તાનના આંતરિક બાબતોના મંત્રી મોહસીન નકવી વિજેતા ટીમને ટ્રોફી આપવા હાજર થયા હતા. પહેલગામ હુમલા તથા ત્યારપછી ઓપરેશન સિંદુરથી યુદ્ધના માહોલને ધ્યાને રાખીને ભારતીય ખેલાડીઓએ તેમના હાથેથી ટ્રોફી લેવાનો ઈન્કાર કરી દીધો હતો.
યુએઈ બોર્ડના ઉપાધ્યક્ષના હાથે ટ્રોફી સ્વીકારવા તૈયારી બતાવી હતી. પરંતુ નકવી માન્યા ન હતા. ભારતીય ખેલાડીઓ પણ અડગ રહ્યા હતા. એકાદ કલાક તેઓ સ્ટેજ પર રહ્યા પરંતુ ભારતીય ખેલાડીઓ ગયા ન હતા.
સ્ટેડિયમમાં હાજર ભારતીય ફેન્સ દ્વારા `ભારત માતા કી જય’ની જોરદાર નારેબાજી કરવામાં આવી હતી. ભારતીય કપ્તાન ટ્રોફી લેવા ન ગયા ત્યારે મેચ પ્રેઝન્ટરે પાક ટીમને રન અપ ટ્રોફી લેવા બોલાવી હતી તેમાં ઈન્કાર થયો હતો અને બાંગ્લાદેશ બોર્ડના પ્રમુખ અમિનુલ ઈસ્લામના હાથે તે અપાયા હતા.
રનર-અપની રકમનો ચેક આપવા મોહસીન નકવીને કહેવાયુ હતું. તેઓએ પાક કપ્તાન સલમાન અલી આગાને આપ્યો હતો જે પછી કપ્તાને સાઈડમાં ફેંકીને આબરૂ કાઢી હતી.
સમારોહમાં છેવટે એવુ જાહેર કરાયુ હતું કે ભારતીય ટીમ નકવીના હાથે ટ્રોફી સ્વીકારવા માંગતી ન હોવાથી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવે છે જે પછી મોહસીન નકવી ટ્રોફી અને ખેલાડીઓને આપવાના વ્યક્તિગત મેડલ લઈને હોટલમાં પહોંચી ગયા હતા.
ભારતીય ટીમે ટ્રોફીની પરવાહ કર્યા વિના ઉજવણી કરી હતી.
ટ્રોફી વિવાદમાં નકવી સામે ICC ને ફરિયાદ કરવાની BCCIની જાહેરાત
બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે ભારતીય ટીમનો નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારવાનો નિર્ણય સંપૂર્ણપણે સાચો હતો અને બોર્ડ નવેમ્બરમાં યોજાનારી આઈસીસીની બેઠકમાં આકરો વિરોધ નોંધાવશે. એશિયા કપ 2025ની ફાઇનલ જીતવા છતાં, ભારતીય ટીમને ટ્રોફી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો કારણ કે કેપ્ટન સૂર્યકુમાર યાદવ હાજર નહોતા.
સૂર્યકુમાર યાદવ અને તેમની ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના પ્રમુખ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. નકવી પાકિસ્તાનના ગૃહમંત્રી પણ છે અને તેમના ભારત વિરોધી નિવેદનો માટે જાણીતા છે.
ભારતે આ વાતની જાહેરાત પહેલાથી જ કરી દીધી હતી, પરંતુ તેમ છતાં, નકવી ટ્રોફી સમારોહ દરમિયાન સ્ટેજ પરથી ઉતર્યા ન હતા. BCCI સચિવ દેવજીત સૈકિયાએ હવે કહ્યું છે કે ભારતીય ટીમની કાર્યવાહી સંપૂર્ણપણે વાજબી હતી અને બોર્ડ નવેમ્બરમાં ICC ની બેઠકમાં આકરો વિરોધ નોંધાવશે.
“જ્યાં સુધી ટ્રોફીનો સવાલ છે, ભારત તે એવી વ્યક્તિ પાસેથી સ્વીકારી શકે નહીં જે આપણા દેશ સામે યુદ્ધ કરી રહ્યું છે,” સૈકિયાએ કહ્યું. “અમે ટ્રોફી લીધી નથી, પરંતુ તેનો અર્થ એ નથી કે કોઈ પણ તેને અને મેડલને તેમની હોટલમાં લઈ જઈ શકે છે. આ બાલિશ વર્તન છે, અને અમે તેનો વિરોધ કરીશું.”